Bestu Varas (Gujarati New Year) 2026 Date and Muhuarat: ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરામાં 'બેસતું વર્ષ' એટલે કે નૂતન વર્ષનું અનેકગણું મહત્વ છે. જેને વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિક્રમ સંવત કેલેન્ડરની શરૂઆતનું પ્રતીક છે. દિવાળીના બીજા દિવસે આવતો આ તહેવાર નવી આશાઓ, ઉમંગ અને સમૃદ્ધિ લઈને આવે છે. આ દિવસે લોકો એકબીજાને મળીને 'સાલ મુબારક' પાઠવે છે. વર્ષ 2026 માં બેસતું વર્ષ ક્યારે છે અને તેના શુભ મુહૂર્ત કયા છે, તેની વિગતો અહીં મેળવો.
બેસતું વર્ષ 2026 તારીખ અને તિથિ
વિક્રમ સંવત કેલેન્ડર અનુસાર, ગુજરાતી નવું વર્ષ કારતક માસના શુક્લ પક્ષની એકમ (પ્રતિપદા) તિથિએ ઉજવવામાં આવે છે. પંચાંગ મુજબ, પ્રતિપદા તિથિ 09 નવેમ્બર, 2026ના રોજ બપોરે 12:31 કલાકે શરૂ થશે અને 10 નવેમ્બર, 2026ના રોજ બપોરે 02:00 કલાકે પૂર્ણ થશે. ઉદયાતિથિના નિયમ અનુસાર, ગુજરાતી નવું વર્ષ એટલે કે 'બેસતું વર્ષ' 10 નવેમ્બર, 2026 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસથી વિક્રમ સંવત 2083 ની શરૂઆત થશે.
ચોપડા પૂજન અને વ્યાપારિક મહત્વ
ગુજરાતી વેપારી વર્ગ માટે બેસતું વર્ષ અત્યંત મહત્વનું હોય છે. આ દિવસે પરંપરાગત રીતે 'ચોપડા પૂજન' કરવામાં આવે છે. વેપારીઓ જૂના હિસાબના ચોપડા બંધ કરી નવા ચોપડામાં હિસાબ લખવાની શરૂઆત કરે છે. નવા ચોપડા પર કંકુથી સ્વસ્તિક દોરી અને 'શુભ લાભ' લખીને દેવી લક્ષ્મીના આશીર્વાદ માંગવામાં આવે છે, જેથી આગામી નાણાકીય વર્ષ નફાકારક અને પ્રગતિશીલ રહે.
પૌરાણિક કથા: ગોવર્ધન લીલા
બેસતા વર્ષની ઉજવણી ભગવાન શ્રી કૃષ્ણની ગોવર્ધન લીલા સાથે જોડાયેલી છે. પૌરાણિક કથા મુજબ, ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળવાસીઓને ઈન્દ્રની પૂજા કરવાને બદલે કર્મ અને પ્રકૃતિ (ગાયો અને પર્વત) ની સેવા કરવા સમજાવ્યા હતા. જેનાથી ક્રોધિત થઈ ઈન્દ્રએ ભારે વરસાદ વરસાવ્યો હતો. ગોકુળના રક્ષણ માટે શ્રી કૃષ્ણએ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉચક્યો હતો અને ઈન્દ્રનો અહંકાર તોડ્યો હતો. આ ઘટનાની યાદમાં જ ગોવર્ધન પૂજા અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.
બેસતું વર્ષ 2026: પૂજા માટેના શુભ મુહૂર્ત
આ દિવસે પૂજા અને નવા કાર્યના પ્રારંભ માટે નીચે મુજબના મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે:
- બ્રહ્મ મુહૂર્ત: 05:07 AM થી 05:58 AM
- પ્રાતઃ સંધ્યા: 05:33 AM થી 06:50 AM
- અભિજિત મુહૂર્ત: 12:01 PM થી 12:46 PM
- વિજય મુહૂર્ત: 02:15 PM થી 02:59 PM
- ગોધૂલી મુહૂર્ત: 05:57 PM થી 06:23 PM
- સાયાહ્ન સંધ્યા: 05:57 PM થી 07:14 PM
- અમૃત કાલ: 11 નવેમ્બર, 12:14 AM થી 01:59 AM
- નિશિતા મુહૂર્ત: 11:58 PM થી 12:49 AM (11 નવેમ્બર)
