Astro Tips For Mangal Dosh: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને એક શક્તિશાળી અને નિર્ણાયક ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહ સાહસ, ઉર્જા, શક્તિ, ક્રોધ, વીરતા, સંપત્તિ, ભૂમિ, વાહનનો કારક માનવામાં આવે છે. જ્યારે કોઈ કુંડળીમાં મંગળ નબળો અર્થાત અશુભ સ્થિતિમાં હોય, તો તેને મંગળ દોષ કહેવામાં આવે છે. આમ પણ લગ્નની વાત આવે, ત્યારે પણ સૌથી વધુ ચર્ચા મંગળ દોષની જ થતી હોય છે.
મંગળ દોષના કારણે જાતકને જીવનમાં ખાસ કરીને વૈવાહિક જીવન, સ્વાસ્થ્ય અને પારિવારીક સુખ-શાંતિ જેવી બાબતોમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મંગળ દોષના લક્ષણો અને નિરાકરણ માટેના ઉપાયો Mangal Dosh Remedies
આપણામાંથી ઘણાં લોકો મંગળ દોષથી પરેશાન રહે છે. તો ચાલો જાણીએ જીવનમાં મંગળ દોષ હોય તો ક્યા-ક્યા લક્ષણો જોવા મળે છે અને તેને નિવારવા માટે ક્યા ઉપાય અજમાવી શકાય છે.
એક પછી એક સમસ્યાઃ જો તમારી કુંડળીમાં મંગળ દોષ હોય, તો તમારે જીવનમાં એક પછી એક અણધારી સમસ્યા આવતી જ રહે છે. તમારા દરેક કામમાં અડચણો આવતી રહે છે.
મંગળ દોષના લક્ષણોઃ મંગળ દોષ થવા પર અનેક લક્ષણો જોવા મળી શકે છે. જો આ સંકેતોને નજરઅંદાજ કરવામાં આવે, તો આગળ જતાં સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.
લગ્નમાં અવરોધઃ જે લોકોની કુંડળીમાં મંગળ દોષ રહેતો હોય, તો તેમને લગ્નમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. જો જાતક પરિણીત હોય, તો તેના દામ્પત્ય જીવનમાં કાયમ ખટરાગ જોવા મળે છે.
કામકાજમાં નિષ્ફળતાઃ કુંડળીમાં મંગળ દોષ હોય, તો વ્યક્તિને પ્રામાણિક્તાથી મહેનત કરવા છતાં કામકાજમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જો સફળતા મળે, તો પણ તેનો જશ બીજા વ્યક્તિને મળે છે. આટલું જ નહીં, જાતકના બનેલા કામ પણ એકાએક બગડવા લાગે છે.
સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઃ જો તમને માથામાં દુખાવો અને વારંવાર શારીરિક ઈજાઓ થતી હોય, તો તે પણ મંગળ દોષનું એક લક્ષણ હોઈ શકે છે. એવામાં તમારે મંગળ દોષ નિવારણ માટેના કેટલાક ઉપાય અજમાવવા જોઈએ.
હનુમાનજીની પૂજા કરોઃ કુંડળીમાં મંગળ દોષ હોવા પર હનુમાનજીની પૂજા કરવી જોઈએ. જેનાથી મંગળ દોષની અસર ઓછી થવા લાગે છે અને જાતકના જીવનમાં આવનારા સંકટ પણ દૂર થાય છે.
આ વસ્તુઓનું દાન કરોઃ મંગળ દોષની અસર દૂર કરવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાલ મરચું, ગોળ અને મસુરની દાળ વગેરેનું દાન કરવું જોઈએ.
