શ્રી આપા ગીગાની જગ્યા સતાધાર ધામ: જ્યાં 200થી વધુ વર્ષોથી અવિરત ચાલે છે અન્નક્ષેત્ર; વાંચો પાડાપીરનો દિવ્ય ઇતિહાસ

શ્રી આપા ગીગાની જગ્યા (સતાધાર) એ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતનું એક પરમ પવિત્ર, રહસ્યમય અને જગવિખ્યાત ધામ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 15 Jun 2026 06:00 AM (IST)Updated: Mon, 15 Jun 2026 06:00 AM (IST)
sathadhar-temple-apa-giga-history-pada-pir-junagadh

Shree Satadhar temple history: શ્રી આપા ગીગાની જગ્યા (સતાધાર) એ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતનું એક પરમ પવિત્ર, જગવિખ્યાત ધામ છે. જૂનાગઢ નજીક ગિરની ગોદમાં આવેલું સતાધાર માત્ર એક મંદિર નથી.

પરંતુ છેલ્લા 200 થી વધુ વર્ષોથી અવિરત ચાલતું "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" ના સૂત્રને સાર્થક કરતું એક મહાન અન્નક્ષેત્ર છે. આજે ગુજરાતી જાગરણ તેની મંદીરોની સિરીઝમાં શ્રી આપા ગીગાની જગ્યા સત્તાધાર મંદિરનો સંપૂર્ણ ઈતિહાસ અને મંદિરની વિગતવાર માહિતી આપશે.

આપા ગીગાનો પ્રારંભિક ઇતિહાસ

સંત શ્રી આપા ગીગાનો જન્મ આશરે 18મી સદીના અંતમાં સૌરાષ્ટ્રના એક સામાન્ય પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં ભક્તિ અને જીવદયાના સંસ્કારો કૂટી-કૂટીને ભરેલા હતા. આપા ગીગા ચલાળામાં આવેલા પ્રખ્યાત સંત આપા દાન મહારાજના શરણમાં ગયા. આપા દાનાએ ગીગા ભગતમાં છુપાયેલી દિવ્યતા ઓળખી લીધી અને તેમને દીક્ષા આપી. આપા ગીગાએ વર્ષો સુધી ચલાળા આશ્રમમાં રહીને ગુરુની અને ગાયોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી.

આપા ગીગાની અદ્ભુત સેવાથી પ્રસન્ન થઈને ગુરુ આપા દાનાએ તેમને આશીર્વાદ આપ્યા. બેટા ગીગા, તું મારાથી સવાયો થઈશ, પશ્ચિમનો પીર ગણાશે અને આખું જગત તને નમશે." ગુરુએ તેમને 108 ગાયો આપીને ધર્મનો પ્રચાર કરવા અને ભુખ્યાને ભોજન આપવા નવી જગ્યા સ્થાપવાની આજ્ઞા કરી.

naidunia_image

શ્રી સતાધાર ધામની સ્થાપના

ચલાળાથી નીકળીને આપા ગીગા ગિરના જંગલો તરફ આગળ વધ્યા. વિહરતા વિહરતા તેઓ જૂનાગઢ જિલ્લાના વિસાાવદર તાલુકામાં આવેલી આંબાઝર નદીના કિનારે પહોંચ્યા. આ પરમ પવિત્ર શ્રી આપા ગીગાની જગ્યા (સતાધાર ધામ) ની સ્થાપના આશરે ઇ.સ. 1800 ની આસપાસ (વિક્રમ સંવત 1885 માં) સંત શિરોમણી શ્રી આપા ગીગા બાપુ દ્વારા કરવામાં આવી હતી. એટલે કે આ ધામનો ઇતિહાસ 225 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે.

આ જગ્યાએ તેમણે ગૌસેવા, ભગવદ્ ભક્તિ અને સાધુ-સંતો તેમજ વટેમાર્ગુઓ માટે સદાવ્રત શરૂ કર્યું. આ સ્થાન પર જે પણ દુઃખી કે ભૂખ્યો આવતો, તેને 'સત' (સત્ય) નો 'આધાર' મળતો, તેથી આ પવિત્ર જગ્યાનું નામ "સતાધાર" પડ્યું. આજે પણ ભક્તો ભક્તિભાવથી સત્તાધારની જગ્યાના દર્શન કરવા માટે આવે છે. જ્યાં સંત શ્રી આપા ગીગાની સમાધિના દર્શન કરીને ભક્તો ધન્ય થાય છે.

naidunia_image

સતાધારમાં પાડાની પીરની કહાની

સતાધારમાં ભોજ નામની ભેંસ હતી, જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં આવતું હતું. ભોજ ભેંસના પાડા અને પાડીને જીવની જેમ સાચવવામાં આવતા હતા. એક દિવસ સાવરકુંડલાના નેસડી ગામેથી કેટલાક લોકો અહીં આવે છે અને શામજીબાપુ પાસે એક સારા પાડાની માગણી કરે છે. બાપુ પાડો આપે છે પરંતુ શરત મૂકે છે કે તેને દીકરાની જેમ સાચવવો અને જો ન પોષાય તો પાડો જગ્યાએ પાછો મૂકી જજો. બજારમાં ક્યાંય વેંચતા નહીં. થોડાક વર્ષો બાદ હમીર કોળીને દેવનું તેડું આવ્યું અને તેમના પત્નીએ 1500 રૂપિયામાં પાડો વેંચી દીધો. પાડો ખરીદનારા બચુભાઇએ આની સારી કિંમત આવશે તેમ વિચારી પાડો મુંબઇમાં 5 હજારમાં કસાઇને વેંચ્યો.

naidunia_image

કતલખાનામાં પાડાને કાપવા માટે કરવત ડોક પર અડાડી પણ કરવતના કટકાં થઇ ગયા. કસાઇએ બીજી કરવત લીધી પરંતુ તેના પણ એવા જ હાલ થયા. કરવતના કટકાં એ રીતે ઉડ્યાં કે કસાઇના પગ કપાઇ ગયા. એ જ રાત્રે કસાઇના દિકરાને રાત્રે સ્વપ્ન આવ્યું અને તેમાં એક સંતે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે, ત્યાં પાછો મૂકી આવો. આ પાડો પાછો સાવરકુંડલા આવ્યો અને ત્યાંથી ફરી સતાધારની જગ્યાએ. સતાધારમાં આ પાડો પાડાપીર તરીકે પૂજાયો અને પાડાએ જીવ છોડ્યો ત્યારે તેની સમાધિ બનાવવામાં આવી.

વિગત સમય
મંદિર ખુલવાનો સમય સવારે 06:00 વાગ્યે
મંદિર બંધ થવાનો સમય રાત્રે 09:00 વાગ્યે
સવારની આરતી સૂર્યોદય સમયે (આશરે સવારે 06:00 થી 06:30)
સાંજની આરતી સૂર્યાસ્ત સમયે (આશરે સાંજે 07:00 થી 07:30)

ભક્તો માટે મુખ્ય સુવિધાઓ

  • સતાધાર ધામમાં ચોવીસેય કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે છે. અહીં આવતા તમામ ભક્તોને કોઈપણ જાતના ભેદભાવ વગર શુદ્ધ, સાત્વિક અને ગરમાગરમ ભોજન પ્રસાદ પ્રેમપૂર્વક પીરસવામાં આવે છે.
  • દૂર-દૂરથી આવતા યાત્રાળુઓ માટે આધુનિક અને વિશાળ ધર્મશાળાની વ્યવસ્થા છે. અહીં ભક્તો માટે નિઃશુલ્ક અથવા ટોકન દરે આરામદાયક રૂમ અને હોલની સગવડ મળી રહે છે.
  • આપા ગીગાની જગ્યામાં એક વિશાળ ગૌશાળા આવેલી છે, જ્યાં સેંકડો ગાયોની ઉત્તમ સારસંભાળ રાખવામાં આવે છે. ભક્તો અહીં ગૌસેવાનો લાભ પણ લઈ શકે છે.
  • ખાસ કરીને પૂનમ, તહેવારો કે મેળાઓ દરમિયાન આવતા ભક્તોના વાહનો માટે સુરક્ષિત અને વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સમગ્ર મંદિર પરિસરમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા છે. સાથે જ ભક્તોની સુખાકારી માટે સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે.
  • મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓની સુવિધા માટે સામાન્ય તબીબી સારવાર અને પ્રાથમિક સારવાર (First Aid) પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
naidunia_image

શ્રી સતાધાર ધામ કેવી રીતે પહોંચવું?

રોડ માર્ગ

સતાધાર જવા માટે રોડ માર્ગ સૌથી વધુ અનુકૂળ અને લોકપ્રિય છે. જૂનાગઢ અને વિસાવદરથી નિયમિત એસ.ટી. બસો (GSRTC) અને પ્રાઈવેટ ટેક્સીઓ મળી રહે છે. જૂનાગઢ, રાજકોટઅને અમદાવાથી રોડ માર્ગથી સત્તાધાર જઈ શકાય છે. જો તમે પોતાની ગાડી કે ટેક્સી લઈને જઈ રહ્યા છો, તો જૂનાગઢથી બિલખા રોડ પકડવો સૌથી ટૂંકો અને સરળ રસ્તો છે.

રેલ્વે માર્ગ

શ્રી આપા-ગીગાની જગ્યા સત્તાધાર પહોંચવા માટે વિસાવદર નજીકનું રેલ્વે સ્ટેશન છે. જે માત્ર 7 કિમીના અંતરે છે. ભક્તો અહીંથી સ્થાનિક રિક્ષા કે ટેક્સી દ્વારા સરળતાથી જઈ શકે છે. જો ભક્તો અમદાવાદ, વડોદરા કે સુરતથી આવતા હોય તો જૂનાગઢ સ્ટેશન પરથી ઉતરીને પ્રાઈવેટ વાહનો કે બસના માધ્યમથી સત્તાધાર પહોંચી શકે છે.

હવાઈ માર્ગ

જો તમે ફ્લાઈટ દ્વારા આવવા માંગતા હોવ, તો નજીકના એરપોર્ટ સતાધારથી આશરે 150 કિલોમીટર દૂર છે. રાજકોટ ઉતરીને ભક્તો ટેક્સી અથવા બસ દ્વારા સતાધાર પહોંચી શકે છે. તેમજ કેશોદ એરપોર્ટથી અંદાજિત 70 કિમી જેટલું થાય છે. ભક્તો જૂનાગઢ એરપોર્ટથી વાહનમાં સત્તાધાર જઈ શકે છે.

naidunia_image

શ્રી સત્તાધાર ધામ આસપાસના સ્થળો

  • પરબધામ
  • ભવનાથ તળેટી અને ગિરનાર
  • તુલસીશ્યામ (ગરમ પાણીના કુંડ)