Junagadh News: જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક આસ્થાનું કેન્દ્ર છે. પ્રતિ વર્ષ જૂનાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો આ તિર્થભૂમિમાં દર્શનાર્થે આવતા રહે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં અને લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળે છે. ત્યારે ગિરનાર પરિક્રમા માર્ગ પર અંદાજે 5500 પગથિયાં નજીક આવેલી નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથની પવિત્ર જગ્યા (ગોરખ ટૂંક)માં ગઈ મોડી રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ પ્રવેશ કરીને ભારે તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે.
મૂર્તિને પણ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો
આ કૃત્યમાં તોડફોડ કરનારા શખ્સોએ ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિને પણ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે, તેમજ મંદિરના કાચના દરવાજા, પૂજાની સામગ્રી અને દાનપેટી વેરવિખેર કરી નાખી હતી. આ ઘટનાની જાણ થતાં જ ભવનાથ ક્ષેત્રના મહંત શેરનાથ બાપુ સહિત સમસ્ત સંત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કડકમાં કડક સજા કરવાની માગ
સંતોએ આ નિંદનીય કૃત્ય આચરનારા શખ્સોને વહેલી તકે પકડી પાડી કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. મહંત શેરનાથ બાપુએ જણાવ્યું કે, મૂર્તિઓ તોડવાની આ ઘટના રાત્રિના સમયે બની હોય તેવું જણાઈ રહ્યું છે અને પોલીસે ઝડપી તપાસ કરીને આવા કૃત્ય કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
સાધુ-સંતોમાં રોષની લાગણી પ્રવર્તી
ગિરનાર પર્વત માત્ર એક ભૌગોલિક સ્થાન નથી, પરંતુ દેશભરના ભાવિકો માટે આસ્થાનું પ્રતીક અને તીર્થભૂમિ છે, જ્યાં હિન્દુ અને જૈન ધર્મના વિવિધ સંપ્રદાયોના કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. આવા પવિત્ર સ્થળે પશુ સમાન કૃત્ય થતાં સ્થાનિક સાધુ-સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની સાથે રોષની લાગણી પણ પ્રવર્તી રહી છે. સંતોએ આ ધર્મભ્રષ્ટ કૃત્ય કરનારા શખ્સોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે.
પોલીસે CCTV ફૂટેજ ચકાસ્યા
બનાવની જાણ થતાં ભવનાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ભવનાથ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું છે અને CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવાની ખાતરી આપી છે. પોલીસે ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
