Cow Worship: હિંદુ ધર્મમાં ગાયને માત્ર એક પશુ નહીં, પરંતુ માતા સમાન પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર ગાયના શરીરમાં 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ હોય છે. આ જ કારણ છે કે ગાયની પૂજા અને સેવા કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પદ્મ પુરાણ સહિતના ધાર્મિક ગ્રંથોમાં પણ ગાયના શરીરમાં દેવી-દેવતાઓના નિવાસનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે ચાલો જાણીએ કે ગાયના કયા અંગમાં કયા દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે.
ગાયના શરીરમાં સમાયેલું છે સમગ્ર સૃષ્ટિનું સ્વરૂપ
હિંદુ ધાર્મિક પરંપરામાં ગાયને 'સર્વદેવમયી' કહેવામાં આવે છે. સામાન્ય રીતે એવી માન્યતા પ્રચલિત છે કે ગાયમાં 33 કે 36 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. જોકે શાસ્ત્રીય પરંપરામાં 33 કોટિનો અર્થ 33 પ્રકારના દેવતાઓ તરીકે પણ સમજાવવામાં આવે છે. આ માન્યતા પાછળ ગાયને સમગ્ર સૃષ્ટિ અને પવિત્રતાના પ્રતીક તરીકે જોવાનો ભાવ રહેલો છે.
ગાયના મુખ અને શિંગડામાં કયા દેવતાઓનો વાસ છે?
ધાર્મિક માન્યતા અનુસાર, ગાયના મુખમાં ચારેય વેદોનો વાસ હોવાનું કહેવાય છે. તેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. જ્યારે ગાયનાં શિંગડાંમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે. શિંગડાંના આગળના ભાગમાં દેવરાજ ઇન્દ્ર અને પવિત્ર તીર્થોનો નિવાસ હોવાનું પણ કહેવાય છે.
ગાયના મસ્તક અને આંખો સાથે જોડાયેલી માન્યતા
ગાયના મસ્તકમાં ભગવાન બ્રહ્મા અને શિવનો વાસ હોવાનું માનવામાં આવે છે. જ્યારે કપાળના ભાગમાં માતા ગૌરી અને રુદ્રનો નિવાસ હોવાનું ધાર્મિક વર્ણનોમાં જણાવાયું છે. ગાયની બંને આંખોમાં સૂર્ય અને ચંદ્રનો વાસ માનવામાં આવે છે. આ જ કારણે ધાર્મિક દૃષ્ટિએ ગૌમાતાનાં દર્શનને શુભ ગણવામાં આવે છે.
કાન, દાંત અને જીભમાં બિરાજે છે આ દેવતાઓ
ધાર્મિક માન્યતા પ્રમાણે ગાયના બંને કાનમાં અશ્વિનીકુમારોનો વાસ છે. તેના દાંતમાં આઠેય વસુ અને ગરુડનો નિવાસ હોવાનું કહેવાય છે. જ્યારે ગાયની જીભમાં માતા સરસ્વતી અને વરુણદેવ બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. આ માન્યતાઓ ગાયને જ્ઞાન, પવિત્રતા અને શુભતાનું પ્રતીક બનાવે છે.
ગાયના પેટ અને નાકમાં કોનો વાસ છે?
ગાયની નાકમાં ભગવાન કાર્તિકેય અને નાગ દેવતાઓનો વાસ હોવાનું ધાર્મિક માન્યતાઓમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે તેના ઉદર એટલે કે પેટમાં ભગવાન કાર્તિકેય અને સમગ્ર પૃથ્વીનો વાસ હોવાનું કહેવાય છે. આ માન્યતા અનુસાર ગાયનું શરીર માત્ર એક જીવનું શરીર નહીં, પરંતુ સમગ્ર સૃષ્ટિનું પ્રતીક છે.
ગાયની પીઠ અને શરીરના રોમમાં રહે છે ઋષિ-મુનિઓ
ગાયની પીઠમાં યમરાજ અને અગિયાર રુદ્રનો વાસ હોવાનું માનવામાં આવે છે. જ્યારે તેના શરીરના રોમકૂપમાં તમામ ઋષિ-મુનિઓ અને 33 કોટિ દેવી-દેવતાઓનો નિવાસ હોવાનું કહેવાય છે. આ કારણે જ ગાયને સર્વદેવમયી સ્વરૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે.
ગાયની પૂંછડી અને ખરીનું પણ છે વિશેષ મહત્ત્વ
ગાયની પૂંછડીમાં પવનપુત્ર હનુમાનજીનો વાસ હોવાનું ધાર્મિક માન્યતાઓમાં જણાવાયું છે. જ્યારે ગાયની ખરીના આગળના ભાગમાં નાગ દેવતાઓ અને ખરીની વચ્ચેના ભાગમાં ગંધર્વોનો વાસ માનવામાં આવે છે. ગાયના પગની ધૂળને પણ પવિત્ર ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે તેમાં તમામ તીર્થોની પવિત્રતાનો અંશ સમાયેલો છે.
ગાયના છાણ અને ગૌમૂત્રમાં પણ દેવી-દેવતાઓનો વાસ
હિંદુ ધર્મમાં ગાયના છાણ અને ગૌમૂત્રને ધાર્મિક રીતે પવિત્ર માનવામાં આવે છે. માન્યતા અનુસાર, ગૌમૂત્રમાં માતા ગંગા અને ભવાનીનો વાસ છે, જ્યારે ગાયના છાણમાં માતા લક્ષ્મી અને યમુનાનો નિવાસ હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે પરંપરાગત ધાર્મિક વિધિઓ અને પૂજા-પાઠમાં ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે.
ગૌમાતાની સેવા કરવાથી મળે છે પુણ્ય
હિંદુ ધર્મમાં ગાયની સેવા કરવી પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ગાયને લીલો ચારો ખવડાવવો, સ્વચ્છ પાણી પીવડાવવું અને તેની યોગ્ય સંભાળ રાખવી શુભ છે. મહાભારતના અનુશાસન પર્વ સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં ગૌસેવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. ગાયની સેવા કરવાથી દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેવી શ્રદ્ધા પણ પ્રચલિત છે.
