Importance of Mati Garba: નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીના નવ સ્વરુપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં ઘરમાં માટીના ગરબાનું સ્થાપન કરવાનું મહત્વ છે. નવરાત્રીના પહેલા દિવસે લોકો ઘરે માટીના ગરબાનું સ્થાપન કરતા હોય છે.
એવું માનવામાં આવે છે કે નવરાત્રીમાં ગરબા સ્વરુપે માતાજી ઘરમાં પધારે છે અને ભક્તોને આશિર્વાદ આપે છે. ગરબામાં અનાજ ભરીને નવ દિવસ સુધી અખંડ દીવો કરવામાં આવે છે.
ચાલો જાણીએ કે મા અંબે અને ગરબા વચ્ચે શું સંબંધ છે ?
મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ગરબામાં 27 છિદ્રો હોય છે. 9 છિદ્રની ત્રણ લાઈન એટલે કુલ 27 છિદ્ર થાય જેનો સંબંધ 27 નક્ષત્ર સાથે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોવાથી તેને ચાર વડે ગુણવાથી 108નો અંક મળે છે, નવરાત્રીમાં માના ગરબાને વચ્ચે રાખીને 108 વખત ગોળ ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. આ જ કારણે આપણી સંસ્કૃતિમાં ગરબા કે રાસ રમવાનું મહત્વ છે.
ગરબામાં મા અંબેનો વાસ
ગરબાને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. ગરબામાં જે દીવો કરવામાં આવે છે તે મા આદ્યશક્તિ છે એટલે કે બ્રહ્માંડની ઉર્જા છે. ગરબાની આસપાસ રહેલા છિદ્રોમાંથી પ્રકાશ ઘરની ચારે દિશામાં ફેલાય છે. એટલે કે માતાજીના આશિર્વાદ ઘરમાં આવે છે.
નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે નાના - મોટા ગરબાઓ લોકો પોતાના ઘરમાં સ્થાપિત કરતા હોય છે. આ માટીના ગરબા નવરાત્રી પૂર્ણ થયા બાદ વિસર્જન કરી દેવામાં આવે છે. આ વિસર્જિત થયેલા શુધ્ધ માટીના આ ગરબાના કારણે પર્યાવરણને કોઈ નુકસાન પણ થતું નથી. જેનો સર્જન અને વિસર્જન સાથે પણ સંબંધ છે.
