Govardhan Puja 2026 Story: દિવાળીના તહેવાર પછી ગોવર્ધન પૂજાનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની સાથે ગોવર્ધન પર્વત અને ગાયની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા પાછળ દ્વાપર યુગની એક રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે? કહેવાય છે કે ભગવાન કૃષ્ણે એક જ લીલાથી દેવરાજ ઇન્દ્રનો અહંકાર દૂર કર્યો હતો અને બ્રજવાસીઓનું ભયંકર વરસાદથી રક્ષણ કર્યું હતું. આવો જાણીએ ગોવર્ધન પૂજા સાથે જોડાયેલી આ કથા અને તેનું ધાર્મિક મહત્વ.
ગોવર્ધન પૂજાના દિવસે કેમ કરવામાં આવે છે શ્રીકૃષ્ણની આરાધના? જાણો પૌરાણિક કથા
આ પણ વાંચો
હિન્દુ ધર્મમાં ગોવર્ધન પૂજાને પ્રકૃતિ, ગૌમાતા અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પર્વ તરીકે જોવામાં આવે છે. આ દિવસે ઘરમાં ગોવર્ધન પર્વતનું પ્રતિક બનાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને મથુરા, વૃંદાવન અને બ્રજ વિસ્તારમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર, ગોવર્ધન પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ પર્વ આપણને પ્રકૃતિ અને પર્યાવરણનું મહત્વ સમજાવવાની સાથે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું પણ સ્મરણ કરાવે છે. પરંતુ આ દિવસે તેમની પૂજા કરવાની શરૂઆત કેવી રીતે થઈ? તેની પાછળ એક ખાસ કથા છે.
ઇન્દ્રદેવનો અહંકાર તોડવા શ્રીકૃષ્ણે ઉઠાવ્યો હતો ગોવર્ધન પર્વત
પૌરાણિક કથા અનુસાર, દ્વાપર યુગમાં બ્રજના લોકો સારા વરસાદ અને પાકની સમૃદ્ધિ માટે દર વર્ષે દેવરાજ ઇન્દ્રની પૂજા કરતા હતા. એક વખત જ્યારે ગામના લોકો ઇન્દ્રપૂજાની તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યારે બાળ કૃષ્ણે પોતાના પિતા નંદબાબાને આ પૂજા પાછળનું કારણ પૂછ્યું.
નંદબાબાએ તેમને જણાવ્યું કે ઇન્દ્રદેવ વરસાદના દેવતા છે અને તેમના આશીર્વાદથી વરસાદ મળે છે. આ સાંભળીને શ્રીકૃષ્ણે બ્રજવાસીઓને સમજાવ્યું કે તેમના જીવન અને આજીવિકામાં ગોવર્ધન પર્વત, ગાયો અને પ્રકૃતિનું વિશેષ યોગદાન છે. તેથી તેમની પૂજા કરવી જોઈએ.
શ્રીકૃષ્ણની વાતથી પ્રભાવિત થઈને બ્રજવાસીઓએ ઇન્દ્રપૂજાને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરી. આ વાતની જાણ થતાં દેવરાજ ઇન્દ્ર ક્રોધિત થયા. તેમને લાગ્યું કે બ્રજવાસીઓએ તેમનું અપમાન કર્યું છે. ગુસ્સામાં આવીને તેમણે બ્રજ વિસ્તારમાં ભારે વરસાદ અને ભયંકર વાવાઝોડું શરૂ કરી દીધું.
સતત વરસાદને કારણે સમગ્ર બ્રજમાં પાણી ભરાવા લાગ્યું. લોકો અને પશુઓના જીવ જોખમમાં મુકાયા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે બ્રજવાસીઓની રક્ષા કરવા માટે પોતાની ડાબા હાથની ટચલી આંગળી પર વિશાળ ગોવર્ધન પર્વત ઉંચકી લીધો. શ્રીકૃષ્ણના આ ચમત્કારને જોઈને તમામ બ્રજવાસીઓ પોતાના પરિવાર અને ગાયોને લઈને પર્વતની નીચે આશરો લેવા લાગ્યા.
કહેવાય છે કે સતત સાત દિવસ સુધી ઇન્દ્રદેવ વરસાદ વરસાવતા રહ્યા, પરંતુ ગોવર્ધન પર્વતની નીચે રહેલા તમામ લોકો સુરક્ષિત રહ્યા. અંતે ઇન્દ્રદેવને પોતાની ભૂલ અને અહંકારનો અહેસાસ થયો. તેમણે શ્રીકૃષ્ણની મહાનતા સ્વીકારી અને તેમની માફી માંગી.
આ ઘટના પછી ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આ કથા આપણને શીખવે છે કે અહંકાર કરતાં શ્રદ્ધા, સેવા અને પ્રકૃતિ પ્રત્યેનું સન્માન વધારે મહત્વ ધરાવે છે.
ગોવર્ધન પૂજા 2026ની તારીખ અને શુભ મુહૂર્ત (Govardhan Puja 2026 Date and Shubh Muhurat)
વર્ષ 2026માં ગોવર્ધન પૂજાનું પર્વ મંગળવાર, 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પૂજા માટે સવાર અને સાંજના બંને સમયે શુભ મુહૂર્ત રહેશે.
ગોવર્ધન પૂજા તારીખ: 10 નવેમ્બર 2026, મંગળવાર
સવારનું શુભ મુહૂર્ત: સવારે 6:40 થી 8:50 વાગ્યા સુધી.
સાંજનું શુભ મુહૂર્ત: બપોરે 3:44 થી સાંજે 5:58 વાગ્યા સુધી.
પ્રતિપદા તિથિ શરૂ: 9 નવેમ્બર, બપોરે 12:31 વાગ્યે.
પ્રતિપદા તિથિ પૂર્ણ: 10 નવેમ્બર, બપોરે 2:00 વાગ્યે.
