દ્વારકાથી જગન્નાથપુરી સુધીની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ; મોરારીબાપુ અને શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની પ્રેરક ઉપસ્થિતિ

ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને એક તાંતણે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ યાત્રાના બીજા ચરણનું આયોજન 14થી 22 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 16 Nov 2026 07:27 AM (IST)Updated: Mon, 16 Nov 2026 07:34 AM (IST)
from-jagat-mandir-to-jagannath-puri-morari-bapu-launches-phase-2-of-bharat-swastik-yatra

Bharat Swastik Yatra: મોરારીબાપુના નેતૃત્વમાં નીકળેલી ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ થયો હતો. દ્વારકાથી જગન્નાથપુરી સુધીની આ યાત્રાને દ્વારકા રેલવે સ્ટેશન ખાતેથી વિધિવત્ ધ્વજ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામચરિતમાનસના કથાકાર પૂજ્ય મોરારીબાપુ, દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ સહિત સંતો, મહાનુભાવો, આયોજક સમિતિના સભ્યો અને મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને એક તાંતણે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ યાત્રાના બીજા ચરણનું આયોજન 14થી 22 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ પહેલાં 10થી 23 ઓક્ટોબર દરમિયાન યાત્રાનો પ્રથમ ચરણ કન્યાકુમારીથી કેદારનાથ સુધી યોજાયો હતો, જેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

દ્વારકા રેલવે સ્ટેશન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂજ્ય મોરારીબાપુએ યાત્રા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, લોકો ઘણીવાર મને પૂછે છે કે આટલું બધું ફરવાથી તમને થાક નથી લાગતો? ત્યારે મારો જવાબ હોય છે કે પંખો બીજાને હવા આપવા માગતો હોય તો તેણે ફરતા રહેવું પડે. એ જ રીતે જ્યાં સુધી શરીરમાં શક્તિ છે અને પીઠોના આશીર્વાદ છે ત્યાં સુધી આપણે ફરતા રહીને સેવા કરતા રહેવું જોઈએ. અમે આ પવિત્ર પીઠના આશીર્વાદ લેવા દ્વારકા આવ્યા છીએ.

અગાઉ જ્યારે હું દ્વારકા આવ્યો હતો ત્યારે બરવાળા આરોગ્યધામની મુલાકાત લેવાની તક મળી હતી. ત્યાં માનવસેવાનું જે સુંદર કાર્ય થઈ રહ્યું છે તે જોઈને પ્રેરણા મળી હતી. આ સેવા કાર્યમાં યોગદાન આપવાના ભાવથી નવ દિવસની રામકથા કરવાનું વિચાર્યું હતું. હવે જણાવતાં આનંદ થાય છે કે ભગવાન દ્વારકાધીશ અને શંકરાચાર્ય પીઠના આશીર્વાદ સાથે 16થી 24 ઓક્ટોબર, 2027 દરમિયાન દ્વારકામાં રામકથાનું આયોજન કરવામાં આવશે. ખાસ વાત એ છે કે પ્રથમ વખત દ્વારકાના પૂજ્ય પૂજારીજી આ કથાના યજમાન બનશે.

ભારત સ્વસ્તિક યાત્રાનો વિચાર મારો નથી, પરંતુ આ એક દૈવી વિચાર અને શિવસંકલ્પ છે. ભગવાન મહાદેવ અને પૂજ્ય શંકરાચાર્યોના આશીર્વાદ સાથે આ યાત્રા આગળ વધી રહી છે. આપણા આધ્યાત્મિક આગેવાનોના આશીર્વાદ પ્રાપ્ત થવા એ મારા માટે સૌભાગ્યની વાત છે.

જગત મંદિર, દ્વારકાનો ધ્વજ પણ અમારી સાથે જગન્નાથપુરી સુધી જશે. જગત મંદિરથી જગન્નાથ સુધીની આ યાત્રા ભારતની આધ્યાત્મિક એકતા અને અવિરત પરંપરાનું પ્રતીક છે. ભગવાન સૌનું કલ્યાણ કરે અને આ કાર્યમાં સૌને પ્રેરણા આપે તેવી પ્રાર્થના છે.દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની ઉપસ્થિતિએ આ પ્રસંગને વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ આપ્યું હતું. યાત્રાના પ્રસ્થાન પ્રસંગે બે મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક પરંપરાઓનું એકસાથે મિલન જોવા મળ્યું હતું.


આ પ્રસંગે દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે,પવિત્ર દ્વારકાની ભૂમિથી શરૂ થઈ રહેલી ભારત સ્વસ્તિક યાત્રાનો બીજો તબક્કો ત્રિલોક્ય સુંદર જગત મંદિર તરફ આગળ વધશે અને અખંડ બ્રહ્માંડનાયક પ્રભુ જગન્નાથને સમર્પિત રહેશે. આ મહાન પુણ્યનું ફળ છે અને ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયેલી એક વિશેષ તક છે.ઈશ્વરે આપણને મનુષ્યજીવન આપ્યું છે, જે અન્ય કોઈપણ જીવસૃષ્ટિના જીવન કરતાં વધુ મૂલ્યવાન છે. આ જીવન માત્ર જીવતા રહેવા માટે નથી, પરંતુ જીવનના હેતુને સમજવા અને પોતાની જવાબદારીઓ નિભાવવા માટે મળ્યું છે. આપણે વિચારવું જોઈએ કે જીવનમાં આપણું કર્તવ્ય શું છે અને ત્યારબાદ તે દિશામાં કાર્ય કરવું જોઈએ. આપણાં કાર્યો માત્ર વ્યક્તિગત હિત પૂરતાં સીમિત ન રહેતાં સૌના કલ્યાણ માટે હોવાં જોઈએ.


આપણે દ્વારકા શા માટે આવીએ છીએ? રામકથા શા માટે સાંભળીએ છીએ? જગન્નાથપુરીની યાત્રા શા માટે કરીએ છીએ? આ તમામ ધાર્મિક યાત્રાઓ પાછળનો સાચો હેતુ સમજવો જરૂરી છે. આપણી શ્રદ્ધા, સનાતન પરંપરા અને આધ્યાત્મિક યાત્રાઓ આપણને વધુ સારા મનુષ્ય બનવાની તથા સમાજના વ્યાપક હિત માટે કાર્ય કરવાની પ્રેરણા આપવી જોઈએ.

ભારત સ્વસ્તિક યાત્રા કોઈ એક વ્યક્તિ કે સંસ્થા માટેનું આયોજન નથી. આ યાત્રા સર્વજનના કલ્યાણ માટેનો એક પ્રયાસ છે, જે સૌહાર્દ, સામૂહિક સુખાકારી અને ભારતની આધ્યાત્મિક એકતાનો સંદેશ આપે છે. આ યાત્રા માટે કરવામાં આવતી તમામ વ્યવસ્થા અને પ્રયાસો પાછળ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ એટલે કે સૌના હિત અને સૌના સુખનો ભાવ રહેલો છે.પત્રકાર પરિષદ બાદ દ્વારકા ખાતે બીજા ચરણની પ્રથમ રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ભારત સ્વસ્તિક યાત્રા દરમિયાન પૂજ્ય મોરારીબાપુની રામકથાની આધ્યાત્મિક યાત્રાનો પણ આગળનો પડાવ શરૂ થયો હતો.

ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણમાં પૂજ્ય મોરારીબાપુની સાથે આશરે 1,000 શ્રદ્ધાળુઓ જોડાયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ બે વિશેષ ટ્રેનો – કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવમાં મુસાફરી કરી રહ્યા છે. આ બંને ટ્રેનોમાં અનુક્રમે 22 અને 16 કોચનો સમાવેશ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી તરીકે ઓળખાતી દ્વારકાનું ભારતીય આધ્યાત્મિક પરંપરામાં વિશેષ સ્થાન છે. ચારધામ પૈકીના એક ધામ તરીકે પણ દ્વારકાનું મહત્ત્વ છે. આવી પવિત્ર નગરીથી જગન્નાથપુરી સુધીની યાત્રાનો પ્રારંભ થવો એ ભારતની આધ્યાત્મિક વિરાસતને જોડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે.

યાત્રાના બીજા ચરણમાં દ્વારકાથી પ્રસ્થાન કર્યા બાદ સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, ચાંપા, માયાપુર અને કોલકાતાની મુલાકાત લેવામાં આવશે. ત્યારબાદ 22 નવેમ્બરના રોજ યાત્રા જગન્નાથપુરી ખાતે પૂર્ણ થશે. જ્યારે પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી પ્રસ્થાન કરીને કાલડી, શૃંગેરી, હમ્પી, તુળજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, અટારી-વાઘા અને જમ્મુ થઈને કેદારનાથ સુધી યાત્રા યોજાઈ હતી. આ બંને ચરણોને મળીને ભારત સ્વસ્તિક યાત્રા દેશનાં કુલ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને આવરી લે છે.