મોરારી બાપુના નેતૃત્વમાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો બીજો તબક્કો દ્વારકાથી જગન્નાથપુરી સુધી યોજાશે

સંતકૃપા સનાતન સંસ્થાનના ઉપક્રમે અને મોરારી બાપુના દિવ્ય નેતૃત્વમાં આયોજિત ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો બીજો તબક્કો આગામી 14 નવેમ્બરથી દ્વારકાથી પ્રારંભ થશે. દેશની આંતરિક એકતા, સાંસ્કૃતિક વિરાસત અને રાષ્ટ્રીય અખંડિતતાને વધુ મજબૂત બનાવતી આ યાત્રાનું 22 નવેમ્બરના રોજ જગન્નાથપુરી ખાતે પૂર્ણાહુતિ સાથે સમાપન થશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 12 Nov 2026 03:44 PM (IST)Updated: Thu, 12 Nov 2026 03:44 PM (IST)
morari-bapus-bharat-swastik-yatra-phase-2-set-to-begin-from-dwarka-to-jagannath-puri

Bharat Swastik Yatra:સંતકૃપા સનાતન સંસ્થાનના ઉપક્રમે અને મોરારી બાપુના દિવ્ય નેતૃત્વમાં આયોજિત ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો બીજો તબક્કો આગામી 14 નવેમ્બરથી દ્વારકાથી પ્રારંભ થશે. દેશની આંતરિક એકતા, સાંસ્કૃતિક વિરાસત અને રાષ્ટ્રીય અખંડિતતાને વધુ મજબૂત બનાવતી આ યાત્રાનું 22 નવેમ્બરના રોજ જગન્નાથપુરી ખાતે પૂર્ણાહુતિ સાથે સમાપન થશે.

આ અગાઉ યાત્રાનો પ્રથમ તબક્કો 10થી 23 ઓક્ટોબર દરમિયાન કન્યાકુમારીથી કેદારનાથ સુધી યોજાયો હતો. જેમાં કલાડી, શૃંગેરી, હમ્પી, તુલજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, અટારી-વાઘા અને જમ્મુ જેવા અનેક ઐતિહાસિક તથા આધ્યાત્મિક સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા.

બીજા તબક્કામાં આ યાત્રા દ્વારકાથી પ્રસ્થાન કરીને સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, છત્તીસગઢના ચંપારણ, માયાપુર અને કોલકાતા થઈને ૨૨ નવેમ્બરે જગન્નાથપુરી પહોંચશે. બંને તબક્કા મળીને આ યાત્રા ભારતના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને સાંકળશે, જે પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ભારતને એક સમાન આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક તાંતણે જોડશે.

આ યાત્રાની પરિકલ્પના અંગે મિરાજ ગ્રુપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, આ યાત્રા દેશના વિવિધ પ્રદેશોના લોકોને એક મંચ પર લાવીને શાશ્વત એકતાની ભાવનાને સાકાર કરે છે.

મોરારી બાપુએ આ યાત્રાના આધ્યાત્મિક મહત્ત્વને સમજાવતા જણાવ્યું હતું કે, ઓમકાર નિરાકાર અને સ્વસ્તિક સાકાર સ્વરૂપ છે, જે મંગળ અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણનું પ્રતીક છે. આદિ શંકરાચાર્યની પ્રેરણાથી ચાલતી આ યાત્રા સત્ય, પ્રેમ અને કરુણાના સંદેશને જન-જન સુધી પહોંચાડશે.

યાત્રાના માર્ગમાં આવતી પેરિયાર, નર્મદા, ક્ષિપ્રા, મહાનદી અને હુગલી સહિતની અસંખ્ય નદીઓ ભારતની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. વિશેષરૂપે, યાત્રા દરમિયાન યોજાનારી રામકથા અને અન્ય તમામ કાર્યક્રમો સૌ કોઈ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે તેમજ દરેક સ્થળે ભક્તો માટે શાકાહારી મહાપ્રસાદ (ભંડારા)નું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.