Dhanteras Shopping Muhurat: આજે 6 નવેમ્બરે ધનતેરસ છે, તે સાથે જ પાંચ દિવસના દિવાળીના મહાપર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. ધનતેરસે ભગવાન ધન્વંતરિ, ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવતા ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, ધનતેરસના દિવસે કરવામાં આવેલ ધાર્મિક કાર્યો, પૂજાવિધિ અને ખરીદીને ખાસ ફળદાયી માનવામાં આવી છે. ખાસ કરીને આ દિવસે સોના-ચાંદીના દાગીના, નવા વાસણ સહિત કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આજના લેખમાં જાણીએ ધનતેરસના દિવસે ખરીદી કરવાના શુભ મુહૂર્ત ક્યા-ક્યા છે?
હિન્દુ પંચાગ પ્રમાણે, આજે સવારે સાડા દસ વાગ્યા સુધી બારસની તિથિ છે. જે બાદ ધનતેરસ શરૂ થઈ જશે. આથી સવારે સાડા 10 વાગ્યા પછી તમે ખરીદી કરી શકો છો. જો કે શુભ ચોઘડિયામાં જ ખરીદી કરવી ફળદાયી માનવામાં આવે છે. આજે દિવસ અને રાતના શુભ, લાભ અને અમૃત મળીને કુલ 6 ચોઘડિયા અત્યંત શુભ છે.
ધનતેરસના શુભ મુહૂર્ત (Dhanteras Shopping Muhurat)
દિવસના ચોઘડિયાની વાત કરીએ તો,
લાભઃ સવારે 08:11 વાગ્યાથી થી 09:35 વાગ્યા સુધી રહેશે
અમૃતઃ સવારે 09:35 વાગ્યા થી 10:59 AM વાગ્યા સુધી રહેશે
શુભઃ બપોરે 12:23 વાગ્યા થી 01:47 વાગ્યા સુધી રહેશે
ચલઃ બપોરે 04:35 વાગ્યાથી થી સાંજે 05:59 વાગ્યા સુધી રહેશે
આવી જ રીતે રાત્રિના શુભ મુહૂર્તની વાત કરીએ તો,
લાભઃ રાતે 9:11 વાગ્યાથી 10:47 વાગ્યા સુધી
શુભઃ મોડી રાતે 12:23 વાગ્યાથી રાતે બે વાગ્યા સુધી (7 નવેમ્બર)
અમૃતઃ 02:00 વાગ્યાથી થી 03:36 વાગ્યા સુધી (7 નવેમ્બર)
ચલઃ 03:35 વાગ્યા થી 05:12 વાગ્યા સુધી (07 નવેમ્બર)
ધન તેરસના દિવસે શું કરવું જોઈએ?
ધન તેરસના દિવસે તમે સોના-ચાંદી, નવું વાસણ, ગોમતી ચક્ર, નવું વાહન, ઈલેક્ટ્રિક ઉપકરણ અને સાવરણી સહિતની વસ્તુઓની ઉપર જણાવેલા શુભ મુહૂર્તમાં ખરીદી કરી શકો છો. આ સિવાય આજના દિવસે ઘરની સાફસફાઈ કરીને એકદમ સ્વચ્છ રાખવું જોઈએ. સાંજના સમયે ઘરની બહાર દીવા પ્રગટાવવા જોઈએ. તેમજ સાંજના શુભ મુહૂર્તમાં લક્ષ્મી માતા અને કુબેર દેવતાની વિધિ-વિધાન સાથે પૂજા કરવી જોઈએ.
ધનતેરસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ આ દિવસે 'ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ' મંત્રનો જાપ કરવો જોઈએ.
