દુર્ગા માતાની કોઈ પણ તસવીરને ધ્યાનથી જુઓ. દસ હાથ, દસ વિવિધ શસ્ત્રો. તેમાંથી કયું સર્વશ્રેષ્ઠ એવું કોઈ નહીં પૂછે. સાચી તાકાત એ વાતમાં છે કે, જરૂરિયાતના સમયે તમારી પાસે સાચો જવાબ તૈયાર હોય.
રોકાણકારો ઘણી વાર કોઈ એક સફળ પ્રોડક્ટની શોધમાં રહે છે. વધઘટના આ વર્ષમાં "ડાઇવર્સિફિકેશન એટલે કે વિવિધતા" એક સમાધાન જેવું લાગી શકે છે – એક એવો પોર્ટફોલિયો, જે ક્યારેય સમયના શ્રેષ્ઠ વિચારનો સંપૂર્ણ લાભ મેળવી શકતો નથી. જોકે, હું એને અલગ દ્રષ્ટિકોણથી જોઉં છું. રોકાણમાં વિવિધતા લાવવાની પ્રક્રિયા રોકાણને નબળી કરતી નથી. હકીકતમાં આ રોકાણકારોને લાંબા ગાળા સુધી રોકાણ જાળવવામાં મદદ કરે છે, જેથી કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ પરિબળ પોતાની અસર દેખાડી શકે.
આ પણ વાંચો
સાચી કસોટી વધઘટમાં નથી, પણ ઉચિત સમયે રોકાણમાંથી બહાર નીકળવામાં છે
જો તમે વડનું વૃક્ષ જોયું હોય, તો તમને ખબર હશે કે તે કેટલું ધીમે ધીમે વિકસે છે. ઘણાં વર્ષોથી નાના છોડનો વિકાસ અટકી ગયો હોય એમ લાગે છે. પછી ધીમે ધીમે તેની શાખાઓમાંથી મૂળ નીચે ઉતરે છે, જમીન સુધી પહોંચે છે અને સ્તંભનું સ્વરૂપ ધારણ કરે છે. જે વૃક્ષ એક ડાળ સાથે શરૂ થાય છે, તે અનેક આધારે વટવૃક્ષ બનીને ઊભું રહે છે. આ જ કારણસર તે અનેક તોફાનોનો સામનો કરી શકે છે, જે દેખાવમાં ઘણા મજબૂત વૃક્ષોને ઉખાડીને ફેંકી દે છે.
હવે વિચારો કે જો તમે દર થોડા મહિને એ નાના છોડનાં મૂળને ઉખાડીને એ ચકાસો કે એનાં મૂળ કેવી રીતે વધે છે, તો શું થશે. એ છોડનો ક્યારેય વિકાસ જ નહીં થાય.
કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ)ની અસર પણ એવી જ છે. તે માટે સમય જોઈએ અને સતત સમય. બજારમાં મોટો ઘટાડો, કોઈ ચિંતાજનક સમાચાર કે અન્ય કોઈ એસેટ ક્લાસ એકાએક લોકપ્રિય થવાથી તમે રોકાણ પરત ખેંચો પછી જે વૃદ્ધિ ધીમે ધીમે થતી હતી એ અટકી જાય છે અને તમારે નવેસરથી શરૂઆત કરવી પડે છે.
ધારો કે બે રોકાણકાર છે. પ્રથમ રોકાણકાર જે થીમ કે વિકલ્પ સારું વળતર આપે છે તેમાં બધી મૂડીનું રોકાણ કરે છે. બીજો રોકાણકાર પોતાની મૂડી અલગ-અલગ ફંડમાં વહેંચે છે, જેમાં દરેક ફંડનો અલગ અને સ્પષ્ટ ઉદ્દેશ હોય છે. બજારમાં મોટો ઘટાડો થવાથી પ્રથમ રોકાણકારોનાં પોર્ટફોલિયોમાં મોટો ઘટાડો થાય છે. થોડા અઠવાડિયા ચિંતામાં પસાર કર્યા પછી પ્રથમ રોકાણકાર પોતાનું રોકાણ પરત ખેંચે છે અને બજાર સુધરશે એ સમયે ફરી રોકાણ કરીશ એવું વિચારે છે. બજારમાં સુધારો થવામાં સમય લાગે છે અને તેનું પુનરાગમન મોડેથી થાય છે – અથવા કદાચ પ્રથમ રોકાણકાર પુનરાગમન કરતો જ નથી. હવે બીજા રોકાણકારના પોર્ટફોલિયોમાં ઘટાડો થાય છે, પરંતુ પ્રથમ રોકાણકારો જેટલો નહીં, કારણ કે એના પોર્ટફોલિયોમાં અમુક ફંડ એવા હોય છે, જે તેને સંભાળે છે. તે પણ થોડો ચિંતિત થાય છે, પરંતુ રોકાણ જાળવી રાખે છે.
20 વર્ષ પછી બંને રોકાણકારોમાંથી કોણે શ્રેષ્ઠ ફંડની પસંદગી કરી હતી એ વાતથી કોઈ ફરક પડતો નથી. સાચો ફરક એ વાતથી પડશે કે, કોણે અંત સુધી રોકાણ જાળવી રાખ્યું.
ડાઇવર્સિફિકેશન એટલે કે રોકાણમાં વિવિધતા લાવવાનું આ જ સાચું મહત્વ છે. એનો ઉદ્દેશ ફક્ત વળતરને મહત્તમ કરવાનો જ નથી, પરંતુ રોકાણની સફરને તમે પૂરી શકો એ રીતે સહજ બનાવવાનો છે.
મૂળ અનેક, ઉદ્દેશ એક
વડના વૃક્ષનાં મૂળ કોઈ પણ જગ્યાએ નીકળતાં નથી. જ્યાં વૃક્ષને ટેકાની જરૂર હોય છે, ત્યાંથી દરેક મૂળ નીચેથી બહાર નીકળે છે. એક પોર્ટફોલિયો પણ એ જ વિચારસરણી સાથે બનાવવો જોઈએ : વૃદ્ધિ માટે ઇક્વિટી, સ્થિરતા માટે ડેટ અને સંતુલન માટે અલગ-અલગ બજાર મૂડીકરણ અને સ્ટાઇલ. આ તમામનો આધાર તમારાં લક્ષ્ય, સમયની મર્યાદા અને જોખમ ખેડવાની ક્ષમતા હોવી જોઈએ.
સંતુલન ઉચિત મિશ્રણથી પેદા થાય છે, નહીં કે હોલ્ડિંગ્સના આંકડાથી. કેટલાંક ફંડ એવા હોય છે, જેમાં એકસમાન સ્ટોક (ઓવરલેપિંગ પોર્ટફોલિયો) હોય છે, તે ભલે ડાઇવર્સિફિકેશન જેવા લાગે, પરંતુ હકીકતમાં તેઓ એક જ જગ્યાએથી નીકળેલા મૂળ જેવા હોય છે.
આની ચકાસણી કરવાની એક સરળ રીત છે : દરેક હોલ્ડિંગ માટે તેની ભૂમિકા શું છે એ એક વાક્યમાં તમે કહી શકો? જો તમે કહી શકો, તો તમારો પોર્ટફોલિયો સારી રીતે વિવિધતા ધરાવે છે એવું સમજી લો. જો ન કહી શકો, તો કદાચ તમારે તમારા પોર્ટફોલિયોના મિશ્રણ પર ફરી વિચાર કરવાની જરૂર છે.
સમજીવિચારીને તૈયાર કરેલો એક મિક્સ પોર્ટફોલિયો તમારા ભરોસાને નબળો પાડતો નથી. તે મુશ્કેલ સ્થિતિસંજોગોમાં તમારા ભરોસાને જાળવવાની તાકાત આપે છે.
લાગણી નહીં શિસ્ત જ સફળતાનો મંત્ર
છેલ્લા થોડા મહિનાઓએ તમામ રોકાણકારોની ધીરજની કસોટી કરી છે. અખબારોમાં હેડલાઇનો ક્યારેક ચિંતા વ્યક્ત કરે છે, તો ક્યારેક આશા જન્માવે છે. આપણા ફોને આપણું ધ્યાન એ બંને પર જાય એ સુનિશ્ચિત કરી દીધું છે. તેમ છતાં દર મહિને બજારમાં SIP મારફતે રોકાણ સતત થાય છે.
મેં જોયું છે કે, આ કોઈ પણ ઇન્ડેક્સના સ્તરથી વધારે મહત્વપૂર્ણ વાત બયાન કરે છે. આ સૂચવે છે કે, હાલ વધારે ભારતીય કુટુંબો બજારમાં વધઘટને કોઈ એવી ઘટના માનતા નથી, જેની પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવી જરૂરી હોય, પરંતુ તેઓ રોકાણને સતત જાળવવા જેવી આદત ગણે છે. SIP એક સરળ માધ્યમ છે, પરંતુ આ ચૂપચાપ એક મોટું અને અસરકારક કામ કરે છે – જ્યારે આપણી લાગણીઓ આપણને ઉચિત નિર્ણય લેતા અટકાવે છે, ત્યારે આ નિર્ણય લેવાની જવાબદારી આપણા હાથોમાંથી લઈને પોતે સંભાળી લે છે.
SIPs અને ડાઇવર્સિફિકેશન (રોકાણમાં વિવિધતા) એકબીજાના સ્વાભાવિક સાથીદારો છે. એક તરફ, SIP તમારા રોકાણને વિવિધ સમયમાં વહેંચે છે, તો બીજી તરફ, ડાઇવર્સિફિકેશન તમારા જોખમને વિવિધ તકોમાં વહેંચે છે. આ બંનેનો સમન્વય બે પ્રકારના પસ્તાવને દૂર કરે છે, જે ઘણી વાર લોકોને થાય છે – એક, ખોટા સમયે તમામ મૂડીનું રોકાણ કરવું, અને બે, કોઈ ખોટી જગ્યાએ વધારે રોકાણ કરવું.
છેવટે સફળતા કોને મળે છે?
બજારમાં લીડરશિપ ફરતી રહે છે અને હંમેશાં આવું જ થાય છે. જે સેક્ટર એક સમયે ચર્ચામાં નહોતા તે ચર્ચાસ્પદ બની જાય છે અને એક સમયે સૌથી મનપસંદ સેક્ટર અમુક સમય માટે નબળાં પડી જાય છે. આ પરિવર્તન કેવી રીતે કે કયા ક્રમમાં થશે એનું સટિક અનુમાન લગાવવું ક્યારેય શક્ય નથી. એક રોકાણકાર માટે એ વાતનો સ્વીકાર કરવો કે, તે સંપૂર્ણ જ્ઞાની નથી એ નમ્રતા જ તેની સારી ખાસિયત છે.
આપણે એટલું જ કરી શકીએ કે, પોતાનો પોર્ટફોલિયો કેવી રીતે તૈયાર કરવો અને બજારમાં વધઘટના ગાળામાં આપણો વ્યવહાર કેવો હોય. મારા અનુભવમાં જે લોકો છેવટે સફળ થાય છે, તેઓ ભાગ્યે જ સૌથી શ્રેષ્ઠ દાવ લગાવતા લોકો હોય છે. જેઓ સમજીદારી સાથે રોકાણની ફાળવણી કરે છે, જેઓ SIPને સતત જાળવે છે અને ચિંતાજનક હેડલાઇનથી ન ડરતા નથી, તેમને જ સફળતા મળે છે.
નવરાત્રિ આપણને યાદ અપાવે છે કે, તાકાત નાટકીય ચેષ્ટા નથી. એ તો સતત સજ્જ થવાની પ્રક્રિયા છે. દેવી દુર્ગા એક શસ્ત્ર પર નિર્ભર રહેતાં નથી, તેમની પાસે વિવિધ શસ્ત્રો છે અને દરેકનો ઉપયોગ ઉચિત સમયે કરે છે.
એટલે વિવિધતાસભર પોર્ટફોલિયો બનાવો, દરેકનો ઉદ્દેશ સ્પષ્ટ કરો અને પછી રોકાણનું સૌથી મુશ્કેલ કાર્ય કરો એટલે કે ધીરજ સાથે તેને વધવા દો.
(લેખક- સુરંજના બોર્ઠાકુર, હેડ, ડિસ્ટ્રિબ્યુશન અને સ્ટ્રેટેજીક એલાયન્સ, મિરે એસેટ ઇન્વેસ્ટમેંટ મૅનેજર્સ ઇન્ડિયાં)
