સોશિયલ મીડિયા પર શો-ઓફ ભારે પડ્યોઃ તમિલનાડુમાં ઈન્ફ્લુએન્સરના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.1 કરોડથી વધુની મત્તા ચોરાઈ

તમિલનાડુના નગેકોઈલ ખાતે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરના ઘરમાંથી રૂ. 1 કરોડથી વધુની કિંમતના દાગીના અને રોકડની ચોરી થઈ છે. પોલીસને શંકા છે કે ઈન્ફ્લુએન્સરની સોશિયલ મીડિયા પર લક્ઝરી લાઈફસ્ટાઈલના પ્રદર્શનને કારણે ચોરોએ નિશાન બનાવ્યું હતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 26 Sep 2026 04:19 PM (IST)Updated: Sat, 26 Sep 2026 04:19 PM (IST)
tamil-nadu-crime-news-influencer-house-burgled-of-rs-1-crore-following-social-media-posts

Tamil Nadu Influencer Burglary: સોશિયલ મીડિયા પર પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ, કિંમતી દાગીના અને રૂપિયાનું પ્રદર્શન કરતો વીડિયો શેર કરવો એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ભારે પડ્યો છે. જેમાં તમિલનાડુના નગેકોઈલ નજીકીના એક પોશ વિસ્તારમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરના ઘરમાં તસ્કરોએ હાથફેરો કરીને એક કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મધુપ્રીતા પોતાના પતિ વિનોદકુમાર અને બે વર્ષની દીકરી સાથે નગેકોઈલ નજીકના VIP વિસ્તારમાં રહે છે. ગત 24 સપ્ટેમ્બરની સાંજે મધુપ્રીતા પતિ અને દીકરી સાથે કપડા ખરીદવા માટે તિરુનેલવેલી ગઈ હતી. જ્યારે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ પરિવાર પરત ફર્યો, ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલતો નહતો.

આથી પતિ વિનોદકુમારે ઘરની પાછળ જઈને જોયું, તો પાછળના દરવાજાનું તાળું તૂટેલું હતુ. જેથી તાબડતોડ પરિવાર અંદર ગયો બેડરૂમમાં સામાન વેરવિખેર જોીને ચોંકી ઉઠ્યો હતો.

તેમની ગેરહાજરીમાં ચોરે એક સૂટકેસમાં રાખેલ લગભગ 900થી વધુ ગ્રામના સોનાના દાગીના ઉપરાંત 5 લાખ રૂપિયા જેટલી રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘરમાં ઘૂસવા માટે તસ્કરોએ દરવાજો તોડવા માટે ટ્રી-કટરનો ઉપયોગ કરવાની આશંકા છે.

પોલીસ તપાસમાં સોશિયલ મીડિયા એંગલ સામે આવ્યુ

આ સમગ્ર કેસની તપાસ કરી રહેલી પોલીસ હવે સોશિયલ મીડિયા રીલ્સ અને પોસ્ટની પણ તપાસ કરી રહી છે. ખાસ વાત એ છે કે, મધુપ્રીતાના યુટ્યુબ પર 41 હજારથી વધુ ફૉલોઅર્સ છે. તે અવારનવાર પોતાના વીડિયોમાં સોનાના દાગીના અને ઘરમાં રહેલી નોટોના બંડલો દર્શાવતી હતી. એક વીડિયોમાં મધુપ્રીતા પોતાની બે વર્ષની દીકરીને પણ પૈસા આપતી જોવા મળી હતી.

આથી પોલીસનું માનવું છે કે, મધુપ્રીતાએ પોતાની ખરીદી, જ્વેલરી સ્ટોરના નામ અને બહાર જવાનો પ્લાન પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આથી ચોરોએ આ પોસ્ટના આધારે તેમના ઘરમાં ખાતર પાડ્યું હોવાનું અંદાજો છે. જો કે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. આમ છતાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓની શોધખોળ માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.