હાથરસની કિશોરી પાછળ સાપ હાથ ધોઈને પડ્યોઃ દોઢ મહિનામાં 8 વખત ડંખ માર્યો, પરિવારમાં દહેશત; મેડિકલ સાયન્સ પણ મૂંઝવણમાં

હાથરસની 17 વર્ષીય અનિતા ગૌતમને દોઢ મહિનામાં 8 વખત સાપે ડંખ મારતા પરિવાર દહેશતમાં છે. તબીબો પણ આ ઘટનાથી મૂંઝવણમાં છે, જોકે સાપ ઝેરીલો ન હોવાથી અનિતા બચી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 22 Sep 2026 10:50 PM (IST)Updated: Tue, 22 Sep 2026 10:50 PM (IST)
omg-news-snake-bites-hathras-college-girl-8-times-in-45-days-doctors-left-baffled
HIGHLIGHTS
  • દીકરીને ઝેરી કોબ્રા સાપે ડંખ માર્યો હોવાનો પિતાનો દાવો

Hathras Snake Bite Case: સાપ કોઈને એકવાર ડંખ મારે તો આપણે સામાન્ય સમજીએ, પરંતુ કોઈ એક જ વ્યક્તિને દોઢ મહિનામાં 8 વખત ડંખ મારે તો જરૂર નવાઈ થાય. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના હાથરસમાંથી સામે આવ્યો છે, જેનો મેડિકલ સાયન્સ પાસે કોઈ જવાબ નથી. આને અંધવિશ્વાસ ગણવો કે કંઈક બીજું, ખુદ તબીબો પણ ચકરાવે ચડી ગયા છે.

હકીકતમાં હાથરસ જિલ્લાના છોટા લાડપુર ગામમાં રહેતી અનિતા ગૌતમ (17) સરસ્વતી ડિગ્રી કોલેજમાં BSCના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. મંગળવારે સવારના સમયે અનિતાના ઘરમાં કાળો સાપ દેખાતા પરિવાર ભયભીત હતો. એવામાં સાંજના સમયે અનિતા ઘરમાં કામ કરી રહી હતી, ત્યારે સાપે તેને ડંખ માર્યો હતો.

એન્ટી વેનમ આપીને અનિતાને બચાવાઈ

જે બાદ અનિતાને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી, જ્યાંથી ઘરે પરત ફર્યા બાદ અનિતા બાથરૂમમાં ગઈ, ત્યારે ત્યાં ફરીથી સાપે તેને ડંખ માર્યો હતો. અનિતાની ચીસો સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા.

જિલ્લા હોસ્પિટલના ડૉ. સૂર્ય પ્રકાશે જણાવ્યું કે, અનિતાને તાત્કાલિક એન્ટી વેનમ ઈન્જેક્શન આપી દેવામાં આવ્યું હતુ. જેથી બે કલાકમાં જ તેને સારું થઈ ગયું હતુ. આ સાપ વધારે ઝેરીલો નથી લાગતો. આથી જ અનિતા વારંવાર સર્પદંશ છતાં બચી રહી છે.

સાપને ઘરમાંથી ભગાડવા માટે પરિવારે થાળીઓ પણ વગાડી

આ અંગે અનિતાના પિતા કોમલ ગૌતમે જણાવ્યું કે, છેલ્લા દોઢ મહિનામાં સત 8મી વખત મારી દીકરીને સાપે ડંખ મારવાના કરણે અમારો આખો પરિવાર દહેશતમાં છે.

સાપને ઘરમાંથી ભગાડવા માટે જોર-જોરથી થાળી પણ વગાડી જોઈ, પરંતુ કોઈ ફાયદો ના થયો. અમે પહેલા પણ સ્નેક કેચરને બોલાવી ચૂક્યા છીએ, પરંતુ તેના હાથમાં પણ સાપ નથી આવતો.

પિતાએ દાવો કરતાં જણાવ્યું કે, મારી દીકરીને ઝેરી કોબ્રાએ ડંખ માર્યો છે. આ મામલે અમે વન વિભાગને પણ ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી તેઓ સાપ પકડવા માટે નથી આવ્યા.

બીજી તરફ સ્નેક એક્સપર્ટનું કહેવું છે કે, સાપ ઘરના જ કોઈ ખુણા કે બાથરૂમની આસપાસ છૂપાયો છે. જેથી વારંવાર અનિતાને ડંખ મારી રહ્યો છે. તબીબોએ પરિવારને ઘરની વ્યવસ્થિત સફાઈ કરાવવાની સલાહ આપી છે.