OMG News, Viral In Social Media: સોશિયલ મીડિયામાં લગ્ન સમયના વીડિયો ખૂબ જ વાયરલ થતા રહે છે. જેમાં વર-કન્યાનો ફની ડાન્સ હોય, મિત્રોની મજાક મસ્તી હોય કે દુલ્હનની ધમાકેદાર એન્ટ્રી હોય આવા વીડિયોની સોશિયલ મીડીયામાં ભરમાર છે. આટલું જ નહીં આવા વીડિયો લોકોને જોવા પણ ગમતા હોય છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં એક ઈન્ડોનેશિયન કપલના લગ્નનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થવા પાછળ વરરાજા કે કન્યાના ડાન્સ મુવ્ઝ કે મિત્રોની મજાક મસ્તી નહીં, પરંતુ તે બન્નેની ઉંમર વચ્ચેનો તફાવત છે.
સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં જ ઈન્ડોનેશિયાના 74 વર્ષીય વૃદ્ધ વ્યક્તિએ પોતાનાથી 50 વર્ષ નાની એટલે કે માત્ર 24 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન માટે વૃદ્ધ વરરાજાએ પોતાની કન્યાને 1.80 લાખ ડોલર (1.50 કરોડ રૂપિયા) બ્રાઈડ પ્રાઈસ અર્થાત દહેજ તરીકે ચૂકવ્યા છે.
હકીકતમાં આ લગ્ન ચર્ચામાં ત્યારે આવ્યા, જ્યારે ફોટોગ્રાફરે આ કપલ પર પૈસા ચૂકવ્યા વિના મંડપમાંથી ભાગવાનો આરોપ લગાવ્યો. જે બાદ પોલીસે પણ આ કપલ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
ફોટોગ્રાફરના જણાવ્યા પ્રમાણે, ગત 1 ઓક્ટોબરના રોજ પૂર્વ જાવા પ્રાન્તમાં એક ભવ્ય સમારંભમાં 74 વર્ષીય તરમનના 24 વર્ષીય શેલા અરિકા સાથે લગ્ન કર્યાં હતા. આ સમારોહમાં જ તરમને અરિકાને 3 અબજ ઈન્ડોનિશિયન રૂપિયા (1.80 લાખ ડોલર) આપ્યા હતા.
વધુમાં ફોટોગ્રાફરે જણાવ્યું કે, અમને શરૂઆતમાં બ્રાઈડ પ્રાઈસ તરીકે એક અબજ ઈન્ડોનેશિયન રૂપિયાની વાત કરી હતી, પરંતુ લગ્ન દરમિયાન જ આ રકમને અચાનક વધારીને 3 અબજ કરી દેવામાં આવી હતી. જો કે લગ્ન પત્યા પછી તરત જ તરમન અને અરિકા પૈસા ચૂકવ્યા વિના ભાગી ગયા હતા.
આ લગ્નનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ વરરાજા કન્યાને હાથમાં બ્રાઈડ પ્રાઈઝ આપે છે, તે સાથે જ લગ્નમાં ઉપસ્થિત લોકો તાળીઓ પાડીને કપલને વધાવે છે. આ લગ્નમાં ઉપસ્થિત મહેમાનોએ પણ કપલને ભેટ આપવાની જગ્યાએ એક લાખ ઈન્ડોનેશિયન રૂપિયા આપ્યા હતા.
સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, કન્યા પક્ષ તરફથી આપવામાં આવેલી બાઈક પર જ તરમન લગ્ન મંડપમાંથી ભાગ્યો હતો. જેના પગલે લગ્ન માટે આપવામાં આવેલા ચેકને પણ લોકો નકલી ગણાવી રહ્યા છે.
જો કે પાછળથી તરમન સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો અને લગ્ન મંડપમાંથી ભાગવાના આરોપો ફગાવતા જણાવ્યું કે, બ્રાઈડ પ્રાઈસની રકમ કન્યાને મળી ચૂકી છે. મેં અરિકાને તરછોડી નથી, તે આજે પણ મારી સાથે જ છે. જ્યારે એરિકાના પરિવારજનોએ જણાવ્યું કે, હાલ બન્ને હનીમૂન પર ગયા છે.