Who Is Abhijit Dipke: હાલ ભારત દેશ સહિત વિશ્વભરમાં કોકરોચ જનતા પાર્ટી ટ્રેન્ડમાં છે, સાથે ચર્ચામાં છે એક યુવા ચહેરો અભિજીત દીપકે. સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા રાતોરાત યુવાનોનો અવાજ બનીને ઉભરેલા અભિજીત દીપકેને ભારે સમર્થન મળી રહ્યું છે. NEET પેપર લીક મુદ્દે અવાજ ઉઠાવનાર આ યુવાન અનેક લોકોનો અવાજ બની ગયો. આવો જાણીએ કોણ છે અભિજીત દીપકે અને તેના પરિવારમાં કોણ છે?
મહારાષ્ટ્રના મધ્યમવર્ગીય પરિવારનો પુત્ર
આ પણ વાંચો
અભિજીત મૂળ મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારના હિંગોલી જિલ્લાના વતની છે. તેમના પિતા ભગવાનરાવ દીપકે વ્યવસાયિક કારણોસર છત્રપતિ સંભાજીનગરમાં સ્થાયી થયા હતા. ભગવાનરાવ વાલુજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અને 1 વર્ષ પહેલા જ નિવૃત્ત થયા છે. અભિજીતની માતા અનિતા દીપકે ગૃહિણી છે.
ઉચ્ચ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને વતન વાપસી
અભિજીતના વ્યક્તિત્વ વિશે વાત કરતા તેમની માતા જણાવે છે કે તે બાળપણથી જ અત્યંત શાંત અને અંતર્મુખી સ્વભાવનો રહ્યો છે. તેણે ઉચ્ચ અભ્યાસ માટે પુણેમાં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, પરંતુ તેને તે વિષયમાં બિલકુલ રસ નહોતો. આવા સમયે વિદેશમાં ભણેલી તેની બહેને જ તેને માર્ગદર્શન આપ્યું કે તેણે એવું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ જે તેને ખરેખર ગમતું હોય. બહેનની સલાહ માનીને અભિજીતે પુણેથી જર્નાલિઝમમાં ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ બોસ્ટન યુનિવર્સિટી, અમેરિકાથી પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સ કર્યું છે.
વ્યાવસાયિક કારકિર્દી અને રાજકીય ઝુકાવ
કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરતા પહેલા અભિજીત દીપકે વર્ષ 2020 થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) સોશિયલ મીડિયા અને ઝુંબેશ ટીમ સાથે જોડાયેલા હતા. વર્ષ 2026 મે મહિનામાં તેમણે કોકરોચ જનતા પાર્ટી (CJP) ની સ્થાપના કરી, જે એક વ્યંગાત્મક ઓનલાઈન રાજકીય ચળવળ તરીકે ઉભરી આવી છે.
પરિવારની ચિંતા: નોકરી કે રાજકારણ?
અભિજીતનો પરિવાર ક્યારેય નહોતો ઈચ્છતો કે તે રાજકારણમાં પ્રવેશે. તેમના માતા-પિતાની ઈચ્છા હતી કે તે ભણી-ગણીને એક ઉચ્ચ અધિકારી બને અથવા કોઈ સારી કંપનીમાં સ્થિર નોકરી કરે. માતાના જણાવ્યા મુજબ, અભિજીત બાળપણથી જ અત્યંત પ્રામાણિક છે અને તેને કોઈપણ પ્રકારની અનૈતિકતા ગમતી નથી.
રાજકારણના વર્તમાન માહોલને જોતા તેના પિતા ભગવાનરાવ ડરી રહ્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર અભિજીતના અભિયાનથી ઘણા લોકો નારાજ થયા હશે, તેથી અમને ડર છે કે તેની સાથે કંઈ અઘટિત ન બને.
કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના અને પ્રસિદ્ધિ
હાલ ઈન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટીના 24.6 મિલિયન એટલે 2 કરોડ 46 લાખ ફોલોઅર્સ છે. જ્યારે અભિજીત દીપકેના ઈન્ટ્રાગ્રામ પર 32 લાખ ફોલોઅર્સ થઈ ગયા છે. પોતાની ત્રણ માંગને લઈને કોકરોચ જનતા પાર્ટી હાલ દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરી રહી છે.
કોકરોચ જનતા પાર્ટીએ સરકાર સમક્ષ ત્રણ મુખ્ય શરતો મૂકી:
- સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
- કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પદ પરથી રાજીનામું આપે.
- NEET પેપર લીક કાંડ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે.
દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થી આંદોલન
જુલાઈ 2026 માં, અભિજીત દીપકે ફરીથી રાષ્ટ્રીય હેડલાઈન્સમાં આવ્યા જ્યારે તેમણે કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનમાં દિલ્હીના જંતર મંતર ખાતે ભૂખ હડતાળમાં ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન તેમના પિતા, ભગવાનરાવ દીપકે પણ જાહેર સમર્થનમાં આવ્યા હતા.
