CJP Split: નીટ (NEET) પેપર લીક મુદ્દે દેશવ્યાપી આંદોલન ચલાવીને ચર્ચામાં આવેલી કાકરોચ જનતા પાર્ટી (CJP)માં હવે મોટું ભંગાણ સર્જાયું છે. અમદાવાદના આંદોલનકારી મનીષ બ્રહ્મભટ્ટે પક્ષ સાથેના તમામ છેડા ફાડી નાખીને કોકરોચ જનતા પાર્ટી ડેમોક્રેટિક નામે નવા સંગઠનની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે મૂળ પક્ષના નેતૃત્વ પર આંદોલનને ‘હાઈજેક’ કરવાનો અને રાજકીય સ્વાર્થ સાધવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
દિલ્હી આંદોલન બાદ વિવાદ વકર્યો
દિલ્હીના જંતર-મંતર ખાતે નીટ પેપર લીક સામે યોજાયેલા પ્રદર્શનોમાં મનીષ બ્રહ્મભટ્ટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના જણાવ્યા મુજબ, જ્યારે આંદોલનનો બીજો તબક્કો શરૂ થયો ત્યારે પક્ષના આંતરિક નેતૃત્વમાં ખેંચતાણ વધી હતી.
આંદોલનને મજબૂત કરનારા જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોને બાજુ પર ધકેલી દેવામાં આવ્યા હતા અને અભિજીત દીપકે પોતાની અલગ ટીમ બનાવી લીધી હોવાનો તેમણે દાવો કર્યો છે.
મનીષ બ્રહ્મભટ્ટે લગાવેલા મુખ્ય આરોપો
આમ આદમી પાર્ટી (AAP)નું વર્ચસ્વ: અભિજીત દીપકે જે 12 સભ્યોની નવી ટીમ બનાવી, તેમાં જૂના આંદોલનકારીઓને બદલે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા 8 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે.
સ્વજનોને પ્રાધાન્ય: આંદોલનના મૂળ હેતુથી ભટકીને પોતાની મહિલા મિત્રો અને કોલેજના મિત્રોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા.
આંદોલનનું હાઈજેકિંગ: અણ્ણા હજારેના આંદોલનની જેમ જ વિદ્યાર્થીઓના આ આંદોલનનો ઉપયોગ પોતાના રાજકીય હિતો માટે કરવામાં આવ્યો. અરવિંદ કેજરીવાલ સાથે કથિત સમજૂતી કરીને આખું આંદોલન વેચી દેવાયું હોવાનો આરોપ પણ લગાવાયો છે.
CJP ડેમોક્રેટિકનો આગળનો રોડમેપ
મનીષ બ્રહ્મભટ્ટે સ્પષ્ટ કર્યું છે કે નવું સંગઠન ‘કોકરોચ જનતા પાર્ટી ડેમોક્રેટિક’ વિદ્યાર્થીઓ અને આંદોલનના મૂળ મુદ્દાઓને જ આગળ ધપાવશે. આ સંગઠન કોઈપણ રાજકીય પક્ષના પ્રભાવ હેઠળ કામ નહીં કરે અને સંપૂર્ણપણે તટસ્થ રહીને શિક્ષણ વ્યવસ્થાના સુધારા માટે લડત ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે CJP એ દેશભરમાં નીટ પરીક્ષા રદ કરવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા. જોકે, હવે સંગઠન જ બે ભાગમાં વહેંચાઈ જતાં આ આંદોલનનું ભવિષ્ય અને તેની અસરકારકતા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
