Manish Brahmbhatt: કોક્રોચ જનતા પાર્ટી-ડેમોક્રેટિકની જાહેરાત કરી ચર્ચામાં આવેલા મનીષ બ્રહ્મભટ્ટે 2022માં પાલનપુરથી લડી હતી ચૂંટણી

મનિષ બ્રહ્મભટ્ટ ગુજરાતના એક રાજકીય કાર્યકર્તા, સોશિયલ એક્ટિવિસ્ટ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. મનિષ બ્રહ્મભટ્ટે 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 04 Sep 2026 12:49 PM (IST)Updated: Fri, 04 Sep 2026 01:14 PM (IST)
manish-brahmbhatt-announces-cockroach-janata-party-democratic-had-contested-2022-palanpur-assembly-election

Manish Brahmbhatt News: છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને નીટ પેપર લીક મામલે દેશવ્યાપી આંદોલન શરૂ થયા હતા. દિલ્હીમાં જંતર-મંતર પર વિશાળ આંદોલન કરવામાં આવ્યું હતું, જેને લઇને કોક્રોચ જનતા પાર્ટી ખૂબ ચર્ચામાં રહી છે. જોકે હવે એવા સમાચાર છેકે આ પાર્ટીમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. આંદોલન સાથે જોડાયેલા ગુજરાતના મનીષ બ્રહ્મભટ્ટે પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને નવી કોક્રોચ જનતા પાર્ટી-ડેમોક્રેટિકના નામે નવા સંગઠનની જાહેરાત કરી છે. ત્યારે મનીષ બ્રહ્મભટ્ટે 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

મનિષ બ્રહ્મભટ્ટ ગુજરાતના એક રાજકીય કાર્યકર્તા, સોશિયલ એક્ટિવિસ્ટ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. તેઓ પાલનપુર તાલુકાના ચંડીસર ગામના બારોટવાસના રહેવાસી છે. મનિષ બ્રહ્મભટ્ટે 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એ સમયે તેમણે રજૂ કરેલા એફિડેવિટ અનુસાર, તેમણે વર્ષ 2000 માં વિદ્યામંદિર સ્કૂલ, પાલનપુરથી એસએસસી (SSC) અને 2002 માં એચએસસી (HSC) પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેમણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 2005 માં બી.કોમ. (B.Com) અને વર્ષ 2009 માં એલએલ.બી. (LL.B) ની પદવી પ્રાપ્ત કરી છે. તેમની 3.35 કરોડ રૂપિયાથી વધુની જંગમ મિલકતો છે. 

તેમની સામે સાબરમતી, વાડજ, ઘાટલોડિયા અને પાલનપુર તાલુકા પોલીસ મથકમાં એમ ચાર ફોજદારી ગુના નોંધાયા છે. એફિડેવિટમાં તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમને કોઈ પણ કેસમાં ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી અને આ કેસો સામે કોઈ અપીલ કે રિવિઝન અરજી દાખલ કરવામાં આવી નથી.

મનિષ બ્રહ્મભટ્ટે મૂળ CJPમાં લોકશાહી અને પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરીને CJP-Democratic (CJP-D) ની જાહેરાત કરી. તેમણે CJPના સ્થાપક અભિજીત દીપકે અને તેમની ટીમ પર એવો આરોપ લગાવ્યો કે યુવા અને વિદ્યાર્થી આંદોલન બાદ તેમણે મનસ્વી રીતે 12 સભ્યોની કમિટી બનાવી લીધી. બ્રહ્મભટ્ટે દાવો કર્યો કે મૂળ CJP હવે આમ આદમી પાર્ટી (AAP) કે 'ટીમ કેજરીવાલ'ની જેમ કામ કરી રહી છે અને મૂળ આંદોલનકારીઓને બાજુ પર કરી દેવાયા છે.


માહિતી સોર્સઃ ઇલેક્શન કમિશનમાં 2022માં રજૂ કરવામાં આવેલી એફિડિવેટ.