Who Is Abhijeet Deepke: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની એક કથિત ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલું 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નું ડિજિટલ આંદોલન અટકવાનું નામ નથી લઈ રહ્યું. લોન્ચ થયાના શરૂઆતના 24 કલાકમાં જ 10,000 ફોલોઅર્સ મેળવીને સપાટો બોલાવનાર આ ઇન્સ્ટાગ્રામ પેજ હાલમાં 10 મિલિયન (1 કરોડ) થી વધુ ફોલોઅર્સ સાથે રાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સમાં છે. પરંતુ, આ અનોખી ડિજિટલ ચળવળ પાછળ કયું મગજ કામ કરી રહ્યું છે તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
આ વાયરલ પેજનો સ્થાપક અને સર્જક અભિજીત દીપકે છે, જેઓ કોઈ સામાન્ય સોશિયલ મીડિયા યુઝર નથી પરંતુ રાજકીય ક્ષેત્રે એક પીઢ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ છે.
આ પણ વાંચો
કોણ છે અભિજીત દીપકે?
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો વતની 30 વર્ષીય અભિજીત દીપકે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને પોલિટિકલ કોમ્યુનિકેશન (Political Communication) નો બહોળો અનુભવ ધરાવે છે. તેણે મહારાષ્ટ્રના પુણેથી પત્રકારત્વ (Journalism) વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો, જ્યાં તેણે યુએસની પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR) વિષયમાં માસ્ટર ઓફ સાયન્સ (MS) ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
અભિજીત દીપકે વર્ષ 2020 થી 2022 દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ની કેન્દ્રીય સોશિયલ મીડિયા ટીમમાં સક્રિય રીતે કાર્યરત હતો. વર્ષ 2020 ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આપ (AAP) ની તરફેણમાં સોશિયલ મીડિયા પર જે મીમ્સ (Memes) અને ડિજિટલ પ્રચારનું પૂર આવ્યું હતું, તેની વ્યૂહરચના પાછળ અભિજીતનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જતા પહેલા તેણે દિલ્હી સરકારના શિક્ષણ વિભાગમાં પણ મીડિયા અને કમ્યુનિકેશન કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી હતી.
શું છે આ 'કોકરોચ જનતા પાર્ટી'?
અભિજીત દીપકે આ પ્લેટફોર્મને માત્ર એક સામાન્ય પેજ તરીકે નહીં, પરંતુ યુવાનો માટેના એક પ્રતીકાત્મક રાજકીય મોરચા તરીકે રજૂ કર્યું છે. આ પેજ રમૂજ અને કટાક્ષની શૈલીમાં ગંભીર રાજકીય પ્રશ્નો ઉઠાવે છે.
આ અનોખા ડિજિટલ પક્ષના સભ્ય બનવા માટે મૂકવામાં આવેલી કેટલીક હાસ્યાસ્પદ શરતો પણ યુવાનોમાં ભારે વાયરલ થઈ છે, જેમ કે, સભ્ય બનનાર વ્યક્તિ સત્તાવાર રીતે બેરોજગાર અને આળસુ હોવો જોઈએ. સભ્યએ સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા માટે દરરોજ ઓછામાં ઓછા 11 કલાક ઓનલાઈન રહેવું ફરજિયાત છે.
વિવાદની શરૂઆત અને CJI ની સ્પષ્ટતા
આ સમગ્ર વિવાદની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કથિત રીતે કરવામાં આવેલી એક ટિપ્પણીથી થઈ હતી, જેમાં તેમણે કેટલાક સક્રિય સોશિયલ મીડિયા યુઝર્સને વંદા (કોકરોચ) અને પરોપજીવી તરીકે સંબોધ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા. આના વિરોધમાં અભિજીતે 'કોકરોચ જનતા પાર્ટી'નું પેજ બનાવીને યુવાનોના આક્રોશને એક સકારાત્મક અને રમૂજી વળાંક આપ્યો.
જોકે, વિવાદ વકર્યા બાદ મુખ્ય ન્યાયાધીશ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમની ટિપ્પણીઓને અધૂરી અને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. તેમનો હેતુ કાયદા અને મીડિયાના ક્ષેત્રને નુકસાન પહોંચાડતા નકલી ડિગ્રી ધારકો પર પ્રહાર કરવાનો હતો, દેશના સામાન્ય યુવાનો પર નહીં. તેઓ ભારતના યુવાનોની શક્તિ અને સાર્વભૌમત્વનું સન્માન કરે છે.
