Weather Forecast September 29: દેશમાં હવામાનના બદલાતા મિજાજ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે, 29 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' અને ઉત્તર આંદામાન સમુદ્રમાં સર્જાયેલા 'ડિપ્રેશન'ની સંયુક્ત અસર હેઠળ દેશના 22 થી વધુ રાજ્યોમાં ભારે વાવાઝોડું, વીજળીના કડાકા અને વરસાદનો નવો દોર શરૂ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન 40 થી 75 km/h ની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનું જોખમ યથાવત હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
આંદામાન સમુદ્રમાં તોફાની સ્થિતિ અને માછીમારોને ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર આંદામાન સમુદ્ર અને તેને અડીને આવેલા મ્યાનમારના દરિયાકાંઠે સર્જાયેલા દબાણને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને ઝંઝાવાતી પવન ફૂંકાવાની આગાહી છે. અહીં પવનની ઝડપ 50-60 km/h થી વધીને 75 km/h સુધી પહોંચી શકે છે. 29 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આંદામાન સમુદ્ર, મ્યાનમાર તથા બાંગ્લાદેશના દરિયાકાંઠે સમુદ્ર અત્યંત તોફાની બનવાની સંભાવના હોવાથી 1 ઓક્ટોમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
દિલ્હી અને NCRનું હવામાન
રાજધાની દિલ્હીમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ તાપમાન 22°C રહેવાની ધારણા છે. 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોમ્બરના રોજ આકાશ સ્વચ્છ રહેશે પરંતુ તેજ પવન ફૂંકાશે.
ઉત્તર પ્રદેશનું હવામાન
શામલી, મેરઠ, ગાઝિયાબાદ, નોઈડા, બુલંદશહેર, મુરાદાબાદ, આગ્રા, વારાણસી, ગોરખપુર અને પ્રયાગરાજ સહિત પૂર્વી અને પશ્ચિમી UP ના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પૂર્વીય ભાગોમાં આ દોર 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
બિહાર અને ઝારખંડનું હવામાન
બિહારમાં 1 ઓક્ટોમ્બર સુધી જ્યારે ઝારખંડમાં 4 ઓક્ટોમ્બર સુધી વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડનું હવામાન
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોમ્બર સુધી વ્યાપક વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વ રાજસ્થાનમાં પણ હવામાન સક્રિય રહેશે.
