ગુજરાતમાં ગરમીના કહેર વચ્ચે માવઠાની આફતઃ 19 એપ્રિલથી બે દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસશે, ખેડૂતોની ચિંતામાં વધારો

હાલ પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ અપર એર સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે 15 એપ્રિલથી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Apr 2026 10:08 PM (IST)Updated: Tue, 14 Apr 2026 10:09 PM (IST)
gujarat-weather-alert-heatwave-continues-unseasonal-rain-likely-on-april-19-20
HIGHLIGHTS
  • રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની પાર પહોંચ્યું
  • આગામી 5 દિવસ સુધી ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય

Gujarat Weather News: આ વર્ષે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થવાની સાથે જ ગુજરાતના હવામાનમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં માવઠાના નાના રાઉન્ડ બાદ હાલ કાળઝાળ ગરમી જોર પકડી કરી છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે પાક નુકસાનીની ભીતિથી ખેડૂતોની ચિંતામા વધારો થયો છે.

છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પહાર પહોંચી ગયું છે, જેના કારણે આકાશમાંથી અગન વર્ષા થતાં બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આગામી 5 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવનારા 5 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાનું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે લોકોને અસહ્ય ઉકળાટનો અહેસાસ થશે.

આગામી 15 એપ્રિલથી ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. આ ઉપરાંત અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ બન્ને પરિબળોની અસર ગુજરાત પર જોવા મળશે.

આજથી 4 દિવસ બાદ એટલે કે 19 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જેની બીજા દિવસે એટલે કે 20 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

આમ 19 અને 20 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદથી કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેથી ખેડૂતોને પોતાના પાકની સુરક્ષા માટે જરૂરી પગલા લેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ દરિયો પણ અસ્થિર રહેવાની સંભાવનાને જોતા માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે.