IMD Heavy Rain Alert: દેશમાંથી નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ આ વિદાય ટાણે જ હવામાન વિભાગે (IMD) દેશના 12 જેટલા રાજ્યોમાં તોફાની વરસાદ અને કલાકના 65 કિમી સુધીની ઝડપે વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર પવન ફૂંકાવાની ગંભીર ચેતવણી જારી કરી છે. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર અને મધ્ય ભારતથી લઈને પહાડી રાજ્યોમાં આગામી કેટલાક કલાકો ભારે સાબિત થઈ શકે છે.
વરસાદ અને વાવાઝોડાનું મુખ્ય કારણ
હવામાન તજજ્ઞોના જણાવ્યા અનુસાર, 12 રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાનું મુખ્ય કારણ નૈઋત્ય બંગાળની ખાડી પર સર્જાયેલું 'અપર-એર સર્ક્યુલેશન' છે. આ ઉપરાંત સિક્કિમ નજીક પણ એક ચક્રવાતી પરિભ્રમણ રચાઈ રહ્યું છે. આ બંને સિસ્ટમ ભેગી થતાં ઉત્તર અને પૂર્વ ભારતમાં ભેજવાળા પવનો વધી ગયા છે, જેના કારણે ચોમાસાની વિદાય વચ્ચે પણ ગાજવીજ સાથે ભારે વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે.
પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને માછીમારોને સૂચના
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો માટે વિશેષ સાવચેતીનું એલર્ટ આપ્યું છે. અહીં ભારે તોફાની વરસાદને કારણે ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓનું જોખમ વધી ગયું છે. વીજળી પડવાના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ કૌસમી વરસાદ અને જોરદાર પવનના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
દિલ્હી-એનસીઆરનું હવામાન
આજે 4 ઓક્ટોબરે દિલ્હીમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ છે. મહત્તમ તાપમાન 35°C અને લઘુત્તમ 24°C રહેવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશનું હવામાન
ગોરખપુર, કાનપુર, સીતાપુર, ગાઝિયાબાદ, પ્રયાગરાજ, મેરઠ અને આગ્રા સહિતના વિસ્તારોમાં 40 કિમી/કલાકની ઝડપે પવન અને વરસાદની આગાહી છે. લખનઉમાં તાપમાન 34°C સુધી રહેશે.
બિહારનું હવામાન
પટના, ગોપાલગંજ, કિશનગંજ, ભાગલપુર, ગયા અને ચંપારણમાં 30 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે મુશળધાર વરસાદ પડી શકે છે.
મધ્ય પ્રદેશનું હવામાન
ઈન્દોર, ભોપાલ, વિદિશા, ઉજ્જૈન, રતલામ અને સાગરમાં કલાકના 65 કિમીની ઝડપે ચક્રવાતી પવન સાથે ભારે તોફાની વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
રાજસ્થાનનું હવામાન
જયપુર, ઉદયપુર, કોટા, ચુરુ અને બાડમેરમાં 40 કિમી/કલાકની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે.
પહાડી રાજ્યોનું હવામાન
મનાલી, કુલ્લુ, મંડી, હરિદ્વાર, ઋષિકેશ અને નૈનીતાલમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડશે. મનાલીમાં લઘુત્તમ તાપમાન 4°C સુધી ગગડી શકે છે.
ઝારખંડ અને અન્ય રાજ્યોનું હવામાન
રાંચી, જમશેદપુર, પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પણ 40 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની પુરેપુરી શક્યતા છે.
આગામી 24 કલાક દરમિયાન તોફાની પવનથી વિજળીના થાંભલા, વૃક્ષો અને કાચા મકાનોને નુકસાન થઈ શકે છે, જેથી તંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક પ્રવાસ ટાળવા સલાહ આપવામાં આવી છે.
