ચોમાસાની વિદાય ટાણે હવામાન વિભાગની મોટી આગાહી: દિલ્હી, યુપી અને બિહાર સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી

હાલમાં ચોમાસાની વિધિવત વિદાય રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર અને ગુજરાતના નાલિયા પરથી પસાર થઈ રહી છે, પરંતુ સાયક્લોનિક સિસ્ટમના કારણે અંતિમ તબક્કામાં પણ ચોમાસું દેશના મોટાભાગના વિસ્તારોને ભીંજવશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 03 Oct 2026 08:10 AM (IST)Updated: Sat, 03 Oct 2026 08:10 AM (IST)
weather-update-3-october-imd-heavy-rain-alert-15-states-delhi-up-bihar
હવામાન અપડેટ ગુજરાત

IMD Rain Forecast: દેશમાંથી નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે, પરંતુ જતાં જતાં પણ હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના મોટાભાગના રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગાહી મુજબ, આજે 3 ઓક્ટોબરે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિત દેશના 15 થી વધુ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કલાકના 60 કિલોમીટર સુધીની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

આ રાજ્યોમાં એલર્ટ જાહેર: વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

હવામાન વિભાગની તાજેતરની બુલેટિન મુજબ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે 3 ઓક્ટોબરે દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને નાગાલેન્ડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

પૂર્વી ઉત્તર પ્રદેશના ગાઝીપુર, ચંદૌલી, આઝમગઢ, મૌ, બલિયા, મિર્ઝાપુર, અયોધ્યા અને બસ્તી જેવા જિલ્લાઓમાં 3 ઓક્ટોબરની સાંજથી ભારે વરસાદનું જોર વધી શકે છે. આ ઉપરાંત પહાડી રાજ્યો જેવા કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 5 થી 8 ઓક્ટોબર દરમિયાન વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રવાસીઓને પહાડી વિસ્તારોની મુલાકાત લેતા પહેલા હવામાનની સ્થિતિ ચકાસી લેવાની સલાહ અપાઈ છે.

દરિયાકાંઠે અને ઉત્તર-પૂર્વમાં ચક્રવાતી પરિભ્રમણની અસર

વાતાવરણના નીચલા સ્તરે ઉત્તર-પૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે. જેના કારણે પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યો જેવા કે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને સિક્કિમમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પણ હવામાન વણસવાની શક્યતા હોવાથી માછીમારોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને ખેડૂતોને ખુલ્લા ખેતરોમાં ન રહેવા તાકીદ કરાઈ છે.

ગુજરાત અને દક્ષિણ ભારતનું હવામાન

પશ્ચિમ ભારતની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં આજે 3 ઓક્ટોબરે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જ્યારે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં 8 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે. દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ આગામી કેટલાક દિવસો સુધી ભારે પવન સાથે ગાજવીજ વાળો વરસાદ થવાની સંભાવના છે.

હાલમાં ચોમાસાની વિધિવત વિદાય રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર અને ગુજરાતના નાલિયા પરથી પસાર થઈ રહી છે, પરંતુ સાયક્લોનિક સિસ્ટમના કારણે અંતિમ તબક્કામાં પણ ચોમાસું દેશના મોટાભાગના વિસ્તારોને ભીંજવશે.