Weather Today (September 23, 2026) | આજનું હવામાન: એક તરફ ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલું નવું Depression દેશના અનેક રાજ્યો માટે ચિંતાનું કારણ બની ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આગામી 12 કલાકમાં આ સિસ્ટમ 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દેશના 13 રાજ્યોમાં હળવાથી લઈને ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય
IMD ના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું આ ડીપ ડિપ્રેશન આજે 23 સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ સિસ્ટમની અસરને પગલે 23 અને 24 સપ્ટેમ્બર દરમિયાન ઓડિશા, છત્તીસગઢ અને તેલંગાણામાં, જ્યારે 22 થી 23 સપ્ટેમ્બર દરમિયાન તટીય આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને તોફાની પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાઈ છે. આ વિસ્તારોમાં પૂર (Flash Floods) જેવી સ્થિતિ સર્જાવાનું પણ જોખમ રહેલું છે.
આજે દેશના કયા 13 રાજ્યોમાં છે વરસાદનું એલર્ટ?
હવામાન વિભાગે 23 સપ્ટેમ્બરના રોજ દેશના 13 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વરસાદની સાથે 40 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં આજે કેવું રહેશે હવામાન?
ગુજરાત રાજ્યમાં આજે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે.
દિલ્હી, યુપી અને બિહારમાં કેવી રહેશે સ્થિતિ?
દિલ્હી (તાપમાનમાં વધારો): 23 અને 24 સપ્ટેમ્બરે રાજધાની દિલ્હી અને NCRમાં આકાશ એકદમ સ્વચ્છ રહેશે. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. ઉત્તર-પૂર્વ દિશામાંથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 25 સપ્ટેમ્બરથી વાતાવરણ આંશિક વાદળછાયું બનવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશ (વરસાદનો નવો રાઉન્ડ): આજે (23 સપ્ટેમ્બર) કોઈ ખાસ એલર્ટ નથી. પરંતુ 25 થી 27 સપ્ટેમ્બર વચ્ચે પૂર્વી ઉત્તર પ્રદેશ (બલિયા, ગોરખપુર, દેવરિયા, વારાણસી વગેરે) અને પશ્ચિમ યુપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 26 સપ્ટેમ્બરે પૂર્વી યુપીમાં અતિભારે વરસાદ પડી શકે છે.
બિહાર (હળવો વરસાદ): આજે બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, 24 અને 25 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
અન્ય રાજ્યો માટે શું છે આગાહી?
ઝારખંડ: 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને 23, 25 અને 26 સપ્ટેમ્બરે મૂશળધાર વરસાદ પડી શકે છે.
ઓડિશા: ડીપ ડિપ્રેશનના પગલે 23 અને 24 સપ્ટેમ્બરે ભારે પવન સાથે અતિભારે વરસાદનું એલર્ટ છે.
મધ્ય પ્રદેશ: 25 થી 26 સપ્ટેમ્બર દરમિયાન પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને 26 સપ્ટેમ્બરે પશ્ચિમ ભાગમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
