Weather Today (September 14, 2026) | આજનું હવામાન: આજે 14 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે, ત્યારે મેઘરાજા પણ બાપ્પાના સ્વાગતમાં જોરદાર વરસવાની તૈયારીમાં છે. ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસાના વર્તમાન રાઉન્ડ અંગે ચેતવણી આપતા આગામી 10 કલાકમાં દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહારથી લઈને મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સુધી વરસાદનો દોર યથાવત છે.
17 રાજ્યોમાં છે તોફાની વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આસામ, તેલંગાણા અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં વાતાવરણ પલટાતા 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
ગણેશ મહોત્સવ વચ્ચે ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
ગુજરાતમાં ગણેશ સ્થાપનાના દિવસે અનેક વિસ્તારોમાં મેઘમહેર થવાની આગાહી છે:
અતિ ભારે વરસાદ: દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને નવસારી તેમજ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદ: અમદાવાદ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.
મધ્યમ વરસાદ: ઉત્તર અને મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓ (બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ વગેરે) અને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુરમાં 30 થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
દેશની રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વરસાદની શું છે સ્થિતિ?
દિલ્હીમાં આજે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મૂશળધાર વરસાદની ચેતવણી છે. દિલ્હીનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશના અલીગઢ, આગ્રા, મેરઠ, મથુરા અને ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં 55 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. લખનૌમાં તાપમાન 26 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.
બિહાર અને રાજસ્થાનમાં વાતાવરણ કેવું રહેશે?
બિહારના પટના, ગયા, અરરિયા, ગોપાલગંજ વગેરે જિલ્લાઓમાં 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદનું એલર્ટ છે. પટનાનું તાપમાન 27 થી 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે. બીજી તરફ, રાજસ્થાનના જયપુર, ઉદયપુર, કોટા અને જેસલમેર સહિતના વિસ્તારોમાં 65 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જયપુરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.
મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની શું છે આગાહી?
મધ્ય પ્રદેશના ભોપાલ, બૈતૂલ, રતલામ સહિતના વિસ્તારોમાં 60 કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશના કાંગડા અને શિમલા વિસ્તારોમાં 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને મનાલીમાં તાપમાન 6 થી 13 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે. ઉત્તરાખંડના દેહરાદૂન, ઋષિકેશ અને હરિદ્વારમાં 40 કિમી/કલાકની ઝડપે પવન સાથે મૂશળધાર વરસાદની અપેક્ષા છે.
