Yogi Adityanath Mother Passes Away:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતા સાવિત્રી દેવીનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના મૂળ વતર પૌડી સ્થિત નિવાસ સ્થાને તેમનું અવસાન થયું છે.
યોગી આદિત્યનાથના માતા સાવિત્રી દેવીના અવસાન અંગે માહિતી મળતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માતા સાવિત્રી દેવીના અવસાન અંગે મળેલા સમાચાર અત્યંત દુખદ અને હૃદયદ્રાવક છે. માતાનો સ્નેહ, આશીર્વાદ અને મમતા જીવનની સૌથી અમૂલ્ય મૂડી હોય છે. તેમની આ વિદાય પરિવાર માટે ક્યારેય પૂરી ન શકાય તેવી ક્ષતિ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ના એપ્રિલ મહિનામાં આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું અવસાન થયું હતું. તે સમયે તેમની ઉંમર 89 વર્ષની હતી. કિડની તથા લિવરને લગતી સમસ્યાનો તેઓ સામનો કરતા હતા અને ગંભીર પરિસ્થિતિમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
મળતી માહિતી પ્રમાણે CM યોગી આદિત્યનાથના માતા લાંબા સમયથી બિમાર હતા. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ સોશિયલ મીડિયા પર CM આદિત્યનાથના માતાના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે.
