Trump H1B Visa Policy: H-1B વિઝા પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય બાદ ત્યાં કામ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સમાં ચિંતા પેઠી છે. જો કે હવે વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલું એક નિવેદનથી તેઓ રાહતનો શ્વાસ લઈ શકે છે.
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, H-1B વિઝાને લઈને અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે. અમે જુદા-જુદા સ્તરે વાતચીત જારી રાખીશું. ભારતનું માનવું છે કે, કુશળ પ્રોફેશનલ્સને અમેરિકા જવાથી બન્ને દેશોને જ ફાયદો જ થશે. અમે ઈન્ડસ્ટ્રીઝ સહિત તમામ સબંધિત પક્ષો સાથે વાતચીત જારી રાખવા માંગીએ છીએ. અમને આશા છે કે, આ તમામ બાબતો પર યોગ્ય ધ્યાન આપવામાં આવશે.
એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે
હકીકતમાં રણધીર જયસ્વાસ વીકલી મીડિયા બ્રીફિંગમાં પત્રકારોના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. જેમાં તેમણે પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, અમે પહેલા જ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે કુશળ પ્રતિભાના આદાન-પ્રદાને બન્ને દેશની અર્થ વ્યવસ્થામાં ઈનોવેશન, વેલ્થ ક્રિએશન, ઈકોનૉમિક ગ્રોથ, સ્પર્ધા અને પોડક્ટિવિટીમાં અગત્યનું યોગદાન આપ્યું છે.
પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકન હોમ એન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રીઝ સહિત અન્ય હિતધારકોને પોતાનો પક્ષ રાખવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા હોલ્ડર્સને અમેરિકનોની નોકરીઓઓ ખાતા હોવાનું જણાવીને તેની ફી વધારીને 1 લાખ ડોલર સુધી કરી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણય બાદ અમેરિકામાં કામ કરી રહેલા ભારતીયો સહિતના અન્ય પ્રોફેશનલ્સમાં ફફડાટ ફેલાયો છે.
જો કે પાછળથી અમેરિકન ઑથોરિટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ વધારેલી ફી માત્ર એકવાર જ લેવામાં આવશે અને તે માત્ર નવી વિઝા એપ્લિકેશન પર જ લાગુ થશે. ખાસ વાત એ છે કે, H-1B વિઝાના સૌથી વધુ લાભાર્થીઓ ભારતીયો જ છે.
