મુંબઈ સેન્ટ્રલથી કાનપુર અને કટિહાર સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ-કાનપુર અનવરગંજ અને મુંબઈ સેન્ટ્રલ-કટિહાર સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. કેટલીક તારીખોએ રૂટ ડાયવર્ટ અને રદ્દીકરણની પણ વિગતો જાહેર કરાઈ છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 28 Aug 2026 11:57 PM (IST)Updated: Fri, 28 Aug 2026 11:57 PM (IST)
trips-of-special-trains-from-mumbai-central-to-kanpur-and-katihar-extended-booking-starts-from-august-30

Western Railway: યાત્રીઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અને મુસાફરી વધુ સુગમ બનાવવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ ભાડા સાથે લંબાવવાનો નિર્ણય લેવાયો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) વિનીત અભિષેક દ્વારા આ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે.

આ નિર્ણયથી આગામી તહેવારોની સીઝનમાં ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ મુસાફરી કરતા યાત્રીઓને મોટી રાહત મળશે.

કઈ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા?

1. ટ્રેન નંબર 09185/09186 (મુંબઈ સેન્ટ્રલ – કાનપુર અનવરગંજ – મુંબઈ સેન્ટ્રલ)

ટ્રેન નંબર 09185 (મુંબઈ સેન્ટ્રલ – કાનપુર અનવરગંજ): આ સ્પેશિયલ ટ્રેનના ફેરા 29 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 09186 (કાનપુર અનવરગંજ – મુંબઈ સેન્ટ્રલ): આ ટ્રેનના ફેરા 30 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

2. ટ્રેન નંબર 09189/09190 (મુંબઈ સેન્ટ્રલ – કટિહાર – મુંબઈ સેન્ટ્રલ)

ટ્રેન નંબર 09189 (મુંબઈ સેન્ટ્રલ – કટિહાર): આ સ્પેશિયલ ટ્રેનના ફેરા 14 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 09190 (કટિહાર – મુંબઈ સેન્ટ્રલ): આ ટ્રેનના ફેરા 17 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

રૂટ ડાયવર્ઝન અને સ્ટેશન ફેરફાર (લખનઉ બ્લોક)

લખનઉ સ્ટેશન પર રેલવે દ્વારા હાથ ધરવામાં આવનાર બ્લોક કામગીરીને કારણે મુંબઈ સેન્ટ્રલ-કટિહાર ટ્રેનના રૂટમાં અસ્થાયી ફેરફાર કરાયો છે.

ટ્રેન નંબર 09189 (મુંબઈ સેન્ટ્રલ – કટિહાર): 5 સપ્ટેમ્બર, 2026થી આ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા માણક નગર – ઐશબાગ – મલ્હૌર થઈને દોડશે. આ ટ્રેન લખનઉ સ્ટેશન પર નહીં ઊભી રહે, તેના બદલે મુસાફરો માટે ઐશબાગ સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 09190 (કટિહાર – મુંબઈ સેન્ટ્રલ): 8 સપ્ટેમ્બર, 2026થી આ ટ્રેન પણ આ જ પરિવર્તિત માર્ગ પરથી ચાલશે અને લખનૌના બદલે ઐશબાગ સ્ટેશને સ્ટોપ કરશે.

યાર્ડ રીમોડેલિંગને કારણે કેટલીક તારીખોએ ટ્રેન રદ રહેશે

આગાસોદ-બીના વચ્ચે ત્રીજી રેલવે લાઇનના કમિશનિંગ માટે આગાસોદ સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગનું કામ હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આ ટ્રેન અમુક ચોક્કસ તારીખોએ રદ્દ રહેશે:

ટ્રેન નંબર 09189 (મુંબઈ સેન્ટ્રલ – કટિહાર): 19 સપ્ટેમ્બર, 26 સપ્ટેમ્બર, 3 ઓક્ટોબર અને 10 ઓક્ટોબર, 2026ના રોજ નહીં દોડે.

ટ્રેન નંબર 09190 (કટિહાર – મુંબઈ સેન્ટ્રલ): 22 સપ્ટેમ્બર, 29 સપ્ટેમ્બર, 6 ઓક્ટોબર અને 13 ઓક્ટોબર, 2026ના રોજ નહીં દોડે.

બુકિંગ વિગત

ટ્રેન નંબર 09185 અને 09189ના લંબાવવામાં આવેલા ફેરા માટેનું એડવાન્સ બુકિંગ 30 ઓગસ્ટ, 2026થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેન સમય, સ્ટોપેજ અને કોચ સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રીઓ રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.