India US Trade Deal: ભારતની ત્રણ દિવસીય મહત્વપૂર્ણ રાજદ્વારી યાત્રાએ આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર વચ્ચે મુંબઈ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકે વૈશ્વિક રાજકારણ અને આર્થિક વર્તુળોનું ધ્યાન ખેંચ્યું છે. આ ઉચ્ચ સ્તરીય વાર્તાલાપમાં ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર અને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે અમેરિકી વિદેશ મંત્રીએ ભારત-અમેરિકા સંબંધો, વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે ભારતની ભૂમિકા અને આગામી દ્વિપક્ષીય વેપાર કરાર અંગે કેટલાક અત્યંત મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા.
આ પણ વાંચો
અંતિમ તબક્કામાં ભારત-અમેરિકા ટ્રેડ ડિલ
લાંબા સમયથી અટકેલા દ્વિપક્ષીય વેપાર કરાર અંગે આશાવાદી વલણ દાખવતા માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા આ ડીલને આખરી ઓપ આપવાના ખૂબ જ નજીક પહોંચી ગયા છે. બંને દેશોના વાટાઘાટકારો વચ્ચે મોટા ભાગના જટિલ વિષયો પર સહમતિ સધાઈ ચૂકી છે. હવે માત્ર કેટલાક ટેકનિકલ મુદ્દાઓ જ બાકી છે, જેનો ટૂંક સમયમાં જ ઉકેલ લાવી દેવાશે.
તેમણે ઉમેર્યું હતું કે બંને દેશોના વડાઓ આ કરારને લઈને ખૂબ જ સકારાત્મક છે અને ઔપચારિક હસ્તાક્ષર પ્રક્રિયા થાય તે પહેલાં જ વિશ્વ સમક્ષ એક મોટી અને ખુશખબર જાહેર કરવામાં આવશે.

ભારત: વિશ્વનું 'રિફાઇનિંગ સુપરપાવર'
વૈશ્વિક ઉર્જા જરૂરિયાતો અને ઓઈલ પ્રોસેસિંગ ક્ષમતા અંગે વાત કરતા અમેરિકી વિદેશ મંત્રીએ ભારતીય ઉર્જા ક્ષેત્ર અને ખાસ કરીને જામનગર જેવા ઓઈલ રિફાઇનિંગ હબની ક્ષમતાઓના મુક્ત મને વખાણ કર્યા હતા.
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે, ભારત વૈશ્વિક સ્તરે રિફાઇનિંગ ક્ષેત્રનું સુપરપાવર (Refining Superpower) છે. વિશ્વના સૌથી જટિલ અને ભારે કાચા તેલ (Heavy Crude Oil)ને પ્રોસેસ કરીને શુદ્ધ ઈંધણમાં રૂપાંતરિત કરવાની અદ્ભુત ક્ષમતા ભારત પાસે છે અને ભૂતકાળમાં પણ ભારતે આ ક્ષમતા સાબિત કરી બતાવી છે.
તેમણે સંકેત આપ્યો હતો કે વેનેઝુએલાના કાચા તેલનું ઉત્પાદન વધારીને તેને પ્રોસેસ કરવા માટે ભારત એક ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી ક્રૂડની અછતને દૂર કરી શકાય. આ પ્રક્રિયા માટે આંતરરાષ્ટ્રીય અને અમેરિકી પ્રતિબંધો સાથે જોડાયેલા નીતિ વિષયક અવરોધો દૂર કરવા પર પણ ચર્ચા ચાલી રહી છે.
રશિયા પાસેથી ઓઈલ આયાત અંગે અમેરિકાનું સમર્થન
અત્યાર સુધી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની આયાત અંગે અમેરિકાનું વલણ ચર્ચાસ્પદ રહ્યું હતું. પરંતુ મુંબઈમાં માર્કો રૂબિયોએ ખુલ્લા મનથી ભારતના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. રૂબિયોએ ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાના નિર્ણયને એક 'સમજદારીપૂર્વકનો અને વ્યવહારુ નિર્ણય' ગણાવ્યો હતો.
તેમણે સ્પષ્ટ કર્યું કે વોશિંગ્ટન ભારતની ઉર્જા જરૂરિયાતો, તેના નાગરિકોની આર્થિક સુરક્ષા અને વૈશ્વિક ઓઈલ માર્કેટમાં સંતુલન જાળવવાની અનિવાર્યતાને ખૂબ સારી રીતે સમજે છે. તેથી ભારતનો આ નિર્ણય તાર્કિક છે.
મુંબઈથી જામનગર: ગુજરાત પ્રવાસનું મહત્ત્વ
મુંબઈમાં તાજ મેમોરિયલ ખાતે આતંકવાદના પીડિતોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરના 'ફ્રીડમ 250 રિસેપ્શન'માં હાજરી આપ્યા પછી, માર્કો રૂબિયો પોતાના પ્રવાસના બુધવારના તબક્કામાં ગુજરાતના જામનગર જશે.
જામનગર સ્થિત વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી અને એનર્જી હબની તેમની મુલાકાત વૈશ્વિક ઉર્જા સુરક્ષા અને ભારત-અમેરિકા વચ્ચે ભવિષ્યમાં થનારા ઉર્જા કરારોની દિશા નક્કી કરવામાં અત્યંત નિર્ણાયક સાબિત થશે.
