"ભારત-અમેરિકાના મજબૂત સંબંધોથી અન્ય દેશો ઈર્ષ્યા કરે છે": અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનું મોટું નિવેદન

યુએસ રાજદૂત સર્જિયો ગોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવા વૈશ્વિક નેતાઓની યાદીમાં ટોચ પર છે જેમને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર્સનલી મળવા માંગે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 05 Sep 2026 08:19 AM (IST)Updated: Sat, 05 Sep 2026 08:19 AM (IST)
us-ambassador-sergio-gor-praise-pm-modi-donald-trump-friendship-india-us-trade-deal
પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રતા

India US Relations: ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor) ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને અનન્ય ગણાવી છે. એક ખાનગી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં તેમણે નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંરક્ષણ, વેપાર અને રાજદ્વારી સંબંધોની મજબૂતાઈ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના વધતા ઉચ્ચ સ્તરીય જોડાણ અને ગાઢ સંબંધો જોઈને વિશ્વના અન્ય રાષ્ટ્રો ઈર્ષ્યા કરી રહ્યા છે.

ટ્રમ્પ માટે પીએમ મોદી સૌથી મહત્વપૂર્ણ મિત્ર

યુએસ રાજદૂત સર્જિયો ગોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવા વૈશ્વિક નેતાઓની યાદીમાં ટોચ પર છે જેમને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર્સનલી મળવા માંગે છે. ડિસેમ્બરમાં ફ્લોરિડા ખાતે યોજાનારી G-20 સમિટ દરમિયાન પીએમ મોદીની અમેરિકા મુલાકાત માત્ર બહુપક્ષીય બેઠક પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા પણ થઈ શકે છે. તેમજ રાજદૂતે કહ્યું, "જો તમે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછો કે 35 વૈશ્વિક નેતાઓમાંથી તમે કોને સૌથી પહેલા મળવા માંગો છો, તો પીએમ મોદી તે યાદીમાં પ્રથમ ક્રમે હશે, કારણ કે ટ્રમ્પ પીએમ મોદીને પોતાના સાચા મિત્ર માને છે." અને તેમણે એવા પણ સંકેત આપ્યા હતા કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે ભારતની મુલાકાતે આવી શકે છે.

વેપાર કરાર અને સંરક્ષણ ભાગીદારી

ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વાત કરતા ગોરે જણાવ્યું કે યુએસ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આ કરાર પર કામ ફરી ઝડપથી શરૂ થઈ રહ્યું છે. બંને દેશો એક ઐતિહાસિક વેપાર સોદાની ખૂબ જ નજીક છે અને આગામી મહિનાઓમાં આ સોદો આખરી ઓપ પામશે, જે બંને દેશોની અર્થવ્યવસ્થા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.

વડા પ્રધાન મોદીની નીતિઓની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે પીએમ મોદીએ ભારતમાં આર્થિક અને રાજકીય સ્થિરતા લાવવાનું મહત્વનું કામ કર્યું છે, જેના કારણે ભારત અમેરિકા માટે સૌથી આકર્ષક અને વિશ્વસનીય વ્યાપારી તેમજ સંરક્ષણ ભાગીદાર બની ગયું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધો હવે માત્ર લશ્કરી સાધનો અને હાર્ડવેરના વેચાણ સુધી સીમિત નથી, પરંતુ ટેકનોલોજી અને લાંબા ગાળાના વ્યૂહાત્મક સહયોગ ક્ષેત્રે પણ વધુ ઊંડા બન્યા છે.