Tiger Shroff Firing Case: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલાના મામલે મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. ઘટના બાદ હુમલાખોરોના પ્રથમ ફોટા અને અનેક વીડિયો સામે આવ્યા છે. આ ઉપરાંત મુંબઈ પોલીસે રાજસ્થાનના કોટાથી ત્રણ શંકાસ્પદોની અટકાયત પણ કરી છે, જેમાં બે શૂટર હોવાની આશંકા છે.
શંકાસ્પદ શખ્સોની અટકાયત, પોલીસે કોટાથી દબોચ્યા
ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં શંકાના આધારે મુંબઈ પોલીસ દ્વારા ત્રણ શખ્સોની રાજસ્થાનના કોટાથી અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ મુંબઈથી ટ્રેન દ્વારા ભાગીને ગુજરાત થઈને કોટા પહોંચ્યા હતા, જ્યાં તેમને પકડી પાડવામાં આવ્યા છે. હાલમાં ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. આમાંથી બે લોકો શૂટર હોવાની આશંકા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોટા પોલીસે ટાઇગર શ્રોફ સાથે જોડાયેલી ગોળીબારની ઘટનાના સંબંધમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. આ ત્રણેયની પૂછપરછ ચાલી રહી છે, અને જણાવવામાં આવી રહ્યું છે કે આમાંથી બે લોકોએ રવિવારે મુંબઈમાં ગોળીબાર કર્યો હતો. જે બાદ પોલીસથી બચવાના પ્રયાસમાં ટ્રેન દ્વારા મુંબઈથી ભાગી ગયા હતા. ત્રણેય આરોપીને કોટા રેલવે સ્ટેશન પરથી દબોચી લેવામાં આવ્યા છે.
હુમલાખોરોના ફોટા સામે આવ્યા, પલ્સર બાઈક પણ મળી
હુમલાખોરોની તસવીરો પણ સામે આવી છે, જેમાં એક ક્લોઝ-અપ તસવીરમાં બે શંકાસ્પદ વ્યક્તિ એક સાથે ઉભેલા દેખાય છે, જેમાંથી એકે કાળી ટોપી પહેરેલી છે. આરોપીઓ પલ્સર મોટરસાયકલ પર સવાર હતા, જેનો ઉપયોગ તેમણે ગોળીબાર કર્યા બાદ જુહુથી અંધેરી તરફ ભાગવા માટે કર્યો હતો. પોલીસે આ બાઇકને કબજે કરી છે. પોલીસ હવે બાઈકની નંબર પ્લેટ અને ચેસિસ નંબર દ્વારા તેના જૂના રેકોર્ડની તપાસ કરી રહી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, આ મોટરસાયકલ અત્યાર સુધીમાં ત્રણ વાર માલિક વચ્ચે બદલાઈ ચૂકી છે. આ બાઇકનો પ્રથમ માલિક જોગેશ્વરીનો રહેવાસી છે, જ્યારે આરોપીઓએ તેને ત્રીજા માલિક પાસેથી ખરીદી હતી. મુંબઈ પોલીસ આરોપીઓની શોધખોળ વધુ તીવ્ર બનાવી છે.
ત્રણ લોકો સામે FIR દાખલ, CM ફડણવીસનો કડક આદેશ
જુહૂ પોલીસે આ મામલે ત્રણ અજાણ્યા લોકો સામે FIR નોંધી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોલીસને આરોપીઓનો પત્તો લગાવવાનો નિર્દેશ આપ્યો છે અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
આ હુમલાના પ્રયાસ બાદ સામે આવેલા અનેક વીડિયોમાં જોઈ શકાય છે કે, ગોળીબારની ગણતરીની ક્ષણો બાદ જ ટાઇગર શ્રોફ ખુદ પોતાની BMW કારની ડ્રાઇવિંગ સીટ પર બેસે છે અને ગાડી ચલાવીને ત્યાંથી નીકળે છે. તેઓ ગોળી વાગવાથી ઘાયલ થયેલા પોતાના ડ્રાઇવરને તાત્કાલિક સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં લઈ જાય છે.
