ટાઈગર શ્રોફ પર હુમલાના કેસમાં વધુ ચાર આરોપીની ધરપકડ, બે મહિલા પણ સામેલ; જાણો ક્યાંથી આવ્યા હતા હથિયાર

હુમલા માટે વપરાયેલા હથિયાર બે મહિલા આરોપી ટ્રેન મારફતે મુંબઈ લાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 21 Oct 2026 09:04 AM (IST)Updated: Wed, 21 Oct 2026 09:04 AM (IST)
tiger-shroff-firing-case-four-more-accused-arrested-delhi-police-action

Tiger Shroff Firing Case: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર 18 ઓક્ટોબરની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની, જેમાં ટાઇગર શ્રોફનો આબાદ બચાવ થયો હતો. જ્યારે તેમના ડ્રાઈવર સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જીવલેણ હુમલાના આ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતા બે મહિલા સહિત વધુ ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે.

દિલ્હી પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ કુણાલ (21 વર્ષ), સુમિત (19 વર્ષ), રાધા (23 વર્ષ) અને બબીતા (23 વર્ષ) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અનિલ પંડિતના નિર્દેશ પર કુણાલે અમૃતસરથી એક પિસ્તોલ અને 20 કારતૂસની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ તેણે રાધા અને બબીતાને હથિયારો સોંપીને ટ્રેન મારફતે મુંબઈ મોકલી હતી.

આ ઘટના બાદ બંને મહિલા દિલ્હી પરત ફરી રહી હતી ત્યારે 20 ઓક્ટોબરે નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કુણાલ અને સુમિતનીસોનીપતથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં મુંબઈ પોલીસની ટીમે પૂછપરછ અને ધરપકડની માંગણી કરતા અદાલતે તેમને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ અગાઉ રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશનથી પણ આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જેમની મુંબઈ પોલીસ કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરી રહી છે. હાલ પોલીસ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા અનિલ પંડિતના સંપર્કો અને આ સમગ્ર ફાયરિંગ ષડયંત્રના તાર મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.