એન્ક્રિપ્ટેડ એપ, લેડી કૂરિયર અને 20 કારતૂસ... આવી રીતે રચાયું ટાઇગર શ્રોફ પર હુમલાનું કાવતરું

20 ઓક્ટોબરે પોલીસે રાધા અને બબીતાની દિલ્હીથી તથા કુણાલ અને સુમિતનીસોનીપતથી ધરપકડ કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 21 Oct 2026 09:40 AM (IST)Updated: Wed, 21 Oct 2026 09:40 AM (IST)
tiger-shroff-firing-case-plot-encrypted-app-lady-courier-20-cartridges-mumbai-news

Tiger Shroff Firing Case: મુંબઈમાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મોટી સફળતા મેળવી છે. હુમલાખોરોને હથિયારો પૂરા પાડવાના આક્ષેપ હેઠળ રોહણા ગામના રહેવાસી કુણાલ અને તેના સાથીદાર સુમિતની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ દરમિયાન ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાનો પ્લાન કેવી રીતે તૈયાર થયો અને હથિયાર મુંબઈ કેવી રીતે પહોંચ્યા તે અંગે ખુલાસા થયા છે.

પોલીસ તપાસ દરમિયાન કુણાલનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે, જેમાં પાનીપતમાં પણ તેના દ્વારા ફાયરિંગ કરવાનો એક કેસ નોંધાયેલો હોવાની માહિતી મળી છે. ટાઈગર શ્રોફ પર થયેલી ફાયરિંગની ઘટના બાદ કુણાલ કોઈ ઝઘડા અથવા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હોવાની અને તેના માથામાં ગંભીર ઈજા થઈ હોવાની વિગતો પણ સામે આવી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અગાઉ ગોળીબારના એક કેસમાં જેલ જઈ ચૂકેલો કુણાલ જામીન પર બહાર આવ્યા બાદ હરસાણા ગામના એક મિત્ર મારફતે અનિલ પંડિતના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંને એન્ક્રિપ્ટેડ એપ દ્વારા વાતચીત કરવા લાગ્યા હતા. અનિલ પંડિતના નિર્દેશ પર કુણાલે સુમિત સાથે મળીને પંજાબના અમૃતસરથી પિસ્તોલ અને 30 કારતૂસ મેળવ્યા હોવાનો આક્ષેપ છે.

હથિયારો મુંબઈ પહોંચાડવા માટે કુણાલે રાધા નામની યુવતીને તૈયાર કરી હતી. 15 ઓક્ટોબરે કુણાલ રાધા અને બબીતાને નવી દિલ્હી રેલવે સ્ટેશને લઈને પહોંચ્યો હતો, જ્યાં પિસ્તોલ રાધાની બેગમાં મૂકવામાં આવી હતી. 17 ઓક્ટોબરે આ બંને યુવતીઓ હથિયારો સાથે મુંબઈ પહોંચી હતી અને તેના પછીના જ દિવસે ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના બની હતી.

હુમલા બાદ અનિલ પંડિતે કુણાલનો સંપર્ક કરીને હુમલાખોરોને ભાગી જવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ મામલે 20 ઓક્ટોબરે પોલીસે રાધા અને બબીતાની દિલ્હી રેલવે સ્ટેશનથી તથા કુણાલ અને સુમિતની સોનીપતથી ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા બાદ મુંબઈ પોલીસને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.