Suvendu Adhikari PA murder: પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક (PA) ચંદ્રનાથ રથની સનસનાટીભરી હત્યાના કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ને મોટી સફળતા મળી છે. STF એ આંતરરાજ્ય ઓપરેશન પાર પાડીને બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી ત્રણ મુખ્ય શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસમાં ટેકનોલોજી અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સે પોલીસને આરોપીઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
UPI ટ્રાન્ઝેક્શન બન્યું શૂટરો માટે કાળ
ચંદ્રનાથ રથની હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ બંગાળ છોડીને પડોશી રાજ્યોમાં ભાગી ગયા હતા. જોકે, તપાસ દરમિયાન એક આરોપીએ હાઈવે પરના ટોલ પ્લાઝા પર રોકડને બદલે UPI (Unified Payments Interface) દ્વારા ચુકવણી કરી હતી. આ એક નાની ભૂલે તપાસકર્તાઓને આરોપીઓનું ચોક્કસ લોકેશન ટ્રેક કરવામાં મદદ કરી. ડિજિટલ પેમેન્ટના ડેટા અને મોબાઈલ લોકેશનના આધારે STF એ બિહાર અને ઉત્તર પ્રદેશમાં દરોડા પાડ્યા હતા.
બિહાર અને UP માંથી ધરપકડ: કોણ છે આરોપીઓ?
બંગાળ સીઆઈડી (CID) અને STF ના સંયુક્ત પ્રયાસોથી 10 મે ના રોજ બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બિહારના બક્સરમાંથી મયંક રાજ મિશ્રા અને વિક્કી મૌર્યની અટકાયત કરવામાં આવી હતી. અને ઉત્તર પ્રદેશના બલિયામાંથી ત્રીજા આરોપી રાજ સિંહને પકડી પાડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય આરોપીઓ બિહારના બક્સર સાથે સંબંધ ધરાવે છે અને તેઓ ભાડૂતી શૂટર હોવાની શંકા છે. રવિવારે મોડી રાત્રે તેમને પશ્ચિમ બંગાળ લાવવામાં આવ્યા હતા અને મધ્યમગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી.
હત્યાનો ઘટનાક્રમ જાણો
સુવેન્દુ અધિકારીના અત્યંત નજીકના ગણાતા ચંદ્રનાથ રથની હત્યા 6 મે, 2026 ની રાત્રે કરવામાં આવી હતી. આ ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામમાં આવેલા દોલતલા વિસ્તારમાં બની હતી.
ચંદ્રનાથ રથ પોતાની કારમાં જઈ રહ્યા હતા અને ડ્રાઈવરની બાજુની આગળની સીટ પર બેઠા હતા. મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ ફિલ્મી ઢબે તેમની કારનો પીછો કર્યો હતો. દોહરિયા પાસે કારને આંતરીને હુમલાખોરોએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કાચમાંથી સીધી ગોળીબાર કર્યો હતો. હુમલો એટલો સચોટ અને પ્રોફેશનલ હતો કે રથને હોસ્પિટલ પહોંચાડવાની તક પણ મળી નહોતી. હુમલો કર્યા બાદ શૂટરો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.
તપાસ શરુ કરાઇ હતી
આ હત્યા બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે હોબાળો મચ્યો હતો. સુવેન્દુ અધિકારીએ આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું, જ્યારે સત્તાધારી પક્ષે તેને અંગત અદાવત ગણાવી હતી. જોકે, STF ની પ્રાથમિક પૂછપરછમાં હવે એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ શૂટરોને સુપારી કોણે આપી હતી અને હત્યા પાછળનો અસલી માસ્ટરમાઈન્ડ કોણ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા શૂટરો પાસેથી હથિયારો અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પોલીસ આ મામલે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુના પાછળના હેતુ અને કાવતરામાં સામેલ અન્ય લોકોના નામ જાહેર કરી શકે છે.
