Crime News: લગ્નેતર સબંધના લોહીયાળ અંતના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો તમિલનાડુના કોઈમ્બતુરમાંથી સામે આવ્યો છે. જેમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ તેની ઘાતકી હત્યા કરી નાંખી. આટલું જ નહીં, હત્યા કર્યાં બાદ પત્નીના મૃતદેહ સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, તમિલનાડુના તિરુનેલવેલીમાં રહેતા બાલામુરુગનના લગ્ન પ્રિયા સાથે થયા હતા. આ લગ્નજીવન થકી ત્રણ સંતાનો પણ છે. જો કે દંપતી વચ્ચે વારંવાર થતાં ઘરકંકાશથી કંટાળીને પ્રિયા કોઈમ્બતુર સ્થિત મહિલા હોસ્ટેલમાં રહીને નોકરી હતી. જો કે બાલામુરુગનને શંકા હતી કે, પત્ની પ્રિયાના કોઈ અન્ય પુરુષ સાથે અનૈતિક સબંધ છે. જેના પગલે બાલામુરુગન પત્ની પર ગુસ્સે હતો.
આ પણ વાંચો
પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટનાના દિવસે બાલામુરુગન અચાનક પ્રિયા રહેતી હતી, તે હોસ્ટેલમાં પહોંચી ગયો હતો. જ્યાં તેણે પત્નીને પોતાની સાથે આવવા માટે કહ્યું હતુ. જો કે પ્રિયાએ પતિ સાથે જવાનો ઈન્કાર કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન ઉશ્કેરાયેલા બાલામુરુગને પોતાની પાસે સંતાડીને લાવેલ દાતરડું લઈને પત્ની પર તૂટી પડ્યો. આ હુમલામાં પ્રિયા લોહીના ખાબોચિયામાં ઘટના સ્થળે જ ફસડાઈ ગઈ અને મોતને ભેટી હતી.
આટલાથી સંતોષ ના થતાં બાલામુરુગન પત્નીની લોહીથી લથપથ હાલતમાં લાશની બાજુમાં બેસી ગયો.જે બાદ મોબાઈલ કાઢીને પત્નીની રક્તરંજિત લાશ સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં સ્ટેટસ તરીકે પોસ્ટ કરી. જેના કેપ્શનમાં લખ્યું કે, વિશ્વાસઘાતની કિંમત મોત છે. આ બાબતે લોકોએ જાણ કરતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો. હાલ તો પોલીસે પ્રિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે, જ્યારે હત્યારા પતિની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
