Supreme Court, Traffic E Challan: દેશભરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ જારી કરવામાં આવતા ઈ-ચલણ (e-Challan) ની રકમ વસૂલવા માટે સુપ્રીમ કોર્ટે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે લાંબા સમયથી ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો સામે જમીની સ્તરે તાત્કાલિક અને આકરાં પગલાં લેવામાં આવે. જે વાહનોના ચલણ બાકી છે તેવા વાહનોને રસ્તા પરથી જપ્ત કરવાથી લઈને તેમની તમામ ઓનલાઈન પરિવહન સેવાઓ સ્થગિત કરવાનો હુકમ કોર્ટે સંભળાવ્યો છે.
ન્યાયમૂર્તિઓની બેન્ચે આપ્યા આકરા આદેશો
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની પીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, માત્ર ઈ-ચલણ કાપીને ઓનલાઈન મોકલી દેવું પૂરતું નથી, પરંતુ દંડની રકમ વસૂલવા માટે સત્તાવાળાઓએ જમીન પર ઉતરીને કામગીરી કરવી પડશે. કોર્ટે તમામ રાજ્યોની પોલીસ અને ટ્રાફિક વિભાગને આદેશ આપ્યો છે કે રસ્તાઓ પર અચાનક (રેન્ડમ) ચેકિંગ હાથ ધરવામાં આવે. જો તપાસ દરમિયાન કોઈ વાહન પર બાકી ઈ-ચલણ માલૂમ પડે, તો તે વાહનને સ્થળ પર જ તાત્કાલિક જપ્ત કરી લેવામાં આવે.
RC રિન્યૂઅલ, ફિટનેસ અને 'પરિવહન પોર્ટલ' પર બ્લેકલિસ્ટિંગ
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે દંડ ન ચૂકવનાર વાહનો માટેની તમામ સરકારી અને ઓનલાઈન સેવાઓ તુરંત જ અટકાવી દેવામાં આવે:
- ઓનલાઈન સેવાઓ બંધ: દંડની બાકી રકમ પૂરેપૂરી ન ભરાય ત્યાં સુધી વાહનના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)નું નવીનીકરણ, ડુપ્લિકેટ RC મેળવવું કે સરનામું બદલવાની વિનંતીઓ સ્વીકારવામાં આવશે નહીં.
- વાહનની માલિકી ટ્રાન્સફર રોકાશે: ચલણ બાકી હોય તેવા વાહનોને 'પરિવહન પોર્ટલ' પર તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવશે, જેથી કોઈ પણ વાહન માલિક પોતાનું વાહન અન્ય વ્યક્તિને વેચી કે ટ્રાન્સફર કરી શકશે નહીં.
- ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે: બાકી ઈ-ચલણ ચૂકવાયા વિના વાહનને ફિટનેસ સર્ટિફિકેટ પણ જારી કરી શકાશે નહીં.
ડ્રાઇવિંગ લાયસન્સ અને PUC પર પણ કાર્યવાહી
માત્ર વાહન જ નહીં, પરંતુ વાહનચાલક સામે પણ કાર્યવાહીનો ગાળિયો કસવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે વારંવાર ટ્રાફિકના નિયમો તોડનારા વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ (DL) તુરંત જ સસ્પેન્ડ કરવામાં આવે અને તેમના લાયસન્સ રિન્યૂઅલની અરજીઓ ફગાવી દેવામાં આવે. વધુમાં, બાકી ચલણ ધરાવતા વાહનો માટે દેશનું કોઈ પણ સેન્ટર PUC સર્ટિફિકેટ પણ જારી કરી શકશે નહીં.
દેશભરમાં 49,000 કરોડનો દંડ વસૂલવાનો બાકી
સુનાવણી દરમિયાન કોર્ટ સામે આવેલા આંકડા અત્યંત ચોંકાવનારા છે. 'એમિકસ ક્યુરી' (ન્યાય મિત્ર)ના અહેવાલ મુજબ, સમગ્ર દેશમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જારી કરાયેલા ઈ-ચલણ પૈકી આશરે 49,194 કરોડની જંગી રકમ વસૂલવાની બાકી છે. અત્યાર સુધીમાં માત્ર 26,175 કરોડની જ વસૂલાત થઈ શકી છે, જે દર્શાવે છે કે મોટા ભાગના લોકો ઈ-ચલણની ચુકવણી ગંભીરતાથી કરતા નથી.
14 વર્ષ જૂની અરજી પર કડક ચેતવણી
આ સમગ્ર મામલો વર્ષ 2012માં દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી (PIL) સાથે જોડાયેલો છે, જેના પર સુપ્રીમ કોર્ટ છેલ્લા 14 વર્ષથી સતત સુનાવણી અને દેખરેખ રાખી રહી છે. કોર્ટે આખરી ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું કે જો મોટર વ્હીકલ એક્ટના કાયદા માત્ર કાગળ પર રહી જશે અને તંત્ર તેનો અમલ કરાવવામાં નિષ્ફળ જશે, તો કોર્ટ એવા કડક આદેશો આપશે જે સરકારી અધિકારીઓને ભારે પડી શકે છે.
