New Delhi CJP Protest: દિલ્હીમાં 10 ઓક્ટોબરના CJP વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને અર્ધસૈનિક દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને અટકાયત કરાયેલા પ્રદર્શનકારીઓ સામે અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગેની આજે રવિવારના રોજ સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દિલ્હીમાંથી તમામ બેરિકેડ હટાવવાનો પોલીસ વિભાગને નિર્દેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતનો સખત નિર્દેશ
આ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સખત નિર્દેશ આપતા કહ્યું છે કે, જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી શહેરમાંથી તમામ બેરિકેડ હટાવી દેવા જોઈએ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયમોના દાયરામાં રહીને સામાન્ય નાગરિકોની મુક્ત અવરજવરને સામાન્ય બનાવવી જોઈએ.
કયા કેસ પર થઈ હતી સુનાવણી?
સર્વોચ્ચ અદાલતની આ ટિપ્પણી વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અવમાનના (Contempt) અરજી પર આવી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના 9 ઓક્ટોબરના એ આદેશનો હવાલો આપવામાં આવ્યો હતો, જે પ્રદર્શન દરમિયાન 57 મેટ્રો સ્ટેશન બંધ કરવા અને દિલ્હી આવતી ટ્રેનો રદ કરવા સામે દાખલ કરવામાં આવેલા અન્ય એક કેસમાં આપવામાં આવ્યો હતો.
નાગરિકોને વિરોધ કરવાનો અધિકાર
આ કેસમાં જસ્ટિસ જયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચે સ્પષ્ટ કર્યું કે નાગરિકોને વિરોધ પ્રદર્શન કરવાનો પૂરો અધિકાર છે. પરંતુ આ પ્રક્રિયા 'પોલીસ એક્ટ' ના દાયરામાં જ હોવી જોઈએ. અદાલતે ઉમેર્યું કે તમને વિરોધ કરવાનો પૂરો અધિકાર છે, તેમાં કોઈ બે મત નથી. પરંતુ જે રીતે પ્રદર્શન કરો છો તે પોલીસ અધિનિયમના નિયમોની અંદર હોવું જોઈએ.
અટકાયત મુદ્દે સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી
પ્રદર્શનકારીઓની અટકાયત અને તે દરમિયાન ઊભી થયેલી પરિસ્થિતિને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ, કેન્દ્રીય ગૃહ સચિવ અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) સહિત સંબંધિત અધિકારીઓને નોટિસ જારી કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે નાગરિકોને પોતાનો પક્ષ રાખવાનો અને વિરોધ કરવાનો પૂરો હક છે, પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે પ્રદર્શન કરવાની પ્રક્રિયા પોલીસ અધિનિયમનાનિયમોને બાજુ પર મૂકી દે.
કેસમાં સુનાવણીની શરૂઆત સાથે જ બેંચે સ્પષ્ટ કર્યું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં હાજર તમામ વકીલોને પોતાની વાત રજૂ કરવાની પૂરી તક આપવામાં આવશે. જ્યારે વકીલોએ આ વિશેષ સુનાવણી માટે કોર્ટનો આભાર માન્યો, ત્યારે જસ્ટિસ બાગચીએ કહ્યું કે "આભાર માનવાની કોઈ જરૂર નથી, અમે હંમેશા દેશની સેવામાં છીએ."
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અટકાયત અને કલમ 163 (નિષેધાજ્ઞા) લાગુકરવાનાઆદેશને પડકારતા કહ્યું કે, પોલીસ લોકોને ટ્રેનોમાંથીઉતારીને કસ્ટડીમાં લઈ રહી છે. તેમણે ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવા સામે પણ સવાલ ઉઠાવ્યા અને 'અનુરાધા ભસીન કેસ' ના જુના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો.
શદાન ફરાસત અને એન. હરિશરણના તર્ક
બીજી તરફ વરિષ્ઠ વકીલ શદાન ફરાસતે પ્રદર્શનકારીઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે કેવી રીતે પ્રદર્શનકારીઓને ઢસડીને બસોમાં નાખવામાં આવી રહ્યા છે અને પછી તેમનેબસમાંથી બહાર ફેંકવામાં આવી રહ્યા છે. બાળકો અને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, મીડિયામાં એવી તસવીરો પણ સામે આવી છે જેમાં શદાનફરાસત પોતે પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવાતા નજરે પડે છે. આ સાથે વરિષ્ઠ વકીલ એન. હરિશરણે કોર્ટમાં જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિ એવી બની ગઈ છે કે હવે નાગરિકો પાસેથી શહેરમાં આવવા-જવાની સ્વતંત્રતાનો અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો છે.
