Sudha Murthy on work culture: ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ તેમના નિવેદનોને કારણે ઘણી વખત હેડલાઇન્સમાં રહ્યા છે . થોડા દિવસો પહેલા કામ કરવાના કલાકાને લઈને તેમણે એવું કહ્યું હતું કે યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. તેમના આ નિવેદન પર ઘણી ચર્ચા થઈ હતી. હવે આ મામલે તેમના પત્નીનું નિવેદન સામે આવ્યું છે.
પતિના 70 કલાક કામ કરવાના નિવેદનને સમર્થન આપ્યું
નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિએ કહ્યું કે જ્યારે લોકો ગંભીર અને કંઈક કરવા માટે ઉત્સાહી હોય ત્યારે સમય ક્યારેય સીમા નથી બનતો. રાજ્યસભા સાંસદે કહ્યું કે જો ઇન્ફોસિસ આટલી મોટી કંપની બની છે તો તે એમનેમ નથી. તેમના પતિએ ખૂબ જ મહેનત કરી છે. ક્યારેક નારાયણ મૂર્તિએ અઠવાડિયામાં 70 કલાકથી વધુ કામ કર્યું છે.સુધા મૂર્તિએ કહ્યું કે તેઓ સવારે 6:30 વાગ્યે ઓફિસ પહોંચતા અને રાત્રે 8:30 વાગ્યે પરત આવતા હતા. પત્રકારો અને ડોક્ટરો જેવા અન્ય વ્યવસાયોમાં કામ કરતા લોકો પણ 90 કલાક કામ કરે છે.
સુધા મૂર્તિએ પોતાના અંગત જીવન વિશે શું કહ્યું?
સુધા મૂર્તિએ તેમના અંગત જીવન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે મેં મારા પતિને કહ્યું હતું કે તમે ઈન્ફોસિસનું ધ્યાન રાખો, હું પરિવારનું ધ્યાન રાખીશ. જ્યારે તેના પતિ ઇન્ફોસિસમાં વ્યસ્ત હતા, ત્યારે મેં ઘર સંભાળ્યું, બાળકોનો ઉછેર કર્યો અને કોલેજમાં કમ્પ્યુટર સાયન્સ શીખવવાનું પણ શરૂ કર્યું. સુધા મૂર્તિએ કહ્યું કે મને મારા પતિ સામે કોઈ ફરિયાદ નથી કારણ કે હું જાણું છું કે તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે.
સુધા મૂર્તિએ ભારતની વર્ક કલ્ચરની તુલના ચીન સાથે કરી. તેમણે કહ્યું કે ચીની નાગરિકો ભારતના નાગરિકો કરતાં 3.5 ગણા વધુ ઉત્પાદક છે. ભારતમાં 80 કરોડ નાગરિકોને મફત રાશન મળે છે. આનો અર્થ એ થયો કે 80 કરોડ ભારતીયો ગરીબી રેખા નીચે છે. આવી સ્થિતિમાં આપણે દેશના વિકાસ માટે સખત મહેનત કરવી પડશે. જો આપણે મહેનત નહીં કરીએ તો કોણ કરશે ?
