SRS Report: ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી કરાયેલા સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) 2023ના રિપોર્ટ અનુસાર દેશમાં પ્રજનન દરમાં ઘટાડો નોંધાયો છે. આને કારણે શૂન્યથી 14 વર્ષના વયજૂથની વસ્તીમાં તીવ્ર ઘટાડો થયો છે. આશ્ચર્યજનક રીતે 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં લગભગ 10 ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. આ આંકડા દર્શાવે છે કે ભારત કે જેને આપણે યુવા દેશ તરીકે ગર્વ કરીએ છીએ, તે વાસ્તવમાં વૃદ્ધ થઈ રહ્યું છે.
દેશમાં પ્રજનન દર ઘટ્યો
રિપોર્ટ મુજબ 0 થી 14 વર્ષના વયજૂથની વસ્તીનો હિસ્સો 1971-1981 દરમિયાન 41.2 ટકાથી ઘટીને 38.1 ટકા થઈ ગયો હતો. જ્યારે 1991-2023 દરમિયાન તે 36.3 ટકાથી ઘટીને 24.2 ટકા પર પહોંચી ગયો છે. દેશમાં કુલ પ્રજનન દરમાં આવેલો ઘટાડો આ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે, જે 1971માં 5.2 થી ઘટીને 2023માં 1.9 થઈ ગયો છે.
બીજી તરફ 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં 2023માં 9.7 ટકાનો વધારો થયો છે. આ મામલે કેરળ 15.1 ટકા વરિષ્ઠ નાગરિકો સાથે ટોચ પર છે, ત્યારબાદ તમિલનાડુમાં 14 ટકા અને હિમાચલ પ્રદેશમાં 13.2 ટકા લોકો 60 વર્ષથી ઉપરના છે.
દસ વર્ષે જન્મદરમાં 14 ટકાનો ઘટાડો
આ ઉપરાંત દેશમાં શિશુ મૃત્યુદરમાં (IMR) પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે 2013માં 40થી ઘટીને 2023માં 25 પર આવી ગયો છે. જોકે જન્મદરમાં પણ પાછલા દસ વર્ષમાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે 2013માં 21.4 ટકાથી ઘટીને 2023માં 18.4 ટકા થયો છે.
કામકાજી વયજૂથ (15 થી 59 વર્ષ)ની વસ્તી 1971-1981 દરમિયાન 53.4 ટકાથી વધીને 56.3 ટકા થઈ હતી, અને 1991-2023 વચ્ચે તે 57.7 ટકાથી વધીને 66.1 ટકા થઈ ગઈ છે. દિલ્હીમાં આ વસ્તી સૌથી વધુ 70.8 ટકા નોંધાઈ છે.