Sonam Wangchuk Health Update: NEET પેપલ લીક મામલે ઉપવાસ પર ઉતરેલા સોનમ વાંગચુકને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર દિલ્હી પોલીસે સફદરજંગ હોસ્પિટલમાંથી દાખલા કર્યા હતા. જે પછી દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ તેમને વધુ સારી તબીબી સારવાર મળી રહે તે હેતુથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે મંગળવારે મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે હોસ્પિટલ પહોંચીને વાંગચુકના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી.
સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં કેમ ખસેડવામાં આવ્યા?
દિલ્હી હાઇકોર્ટેના આદેશના પગલે સોનમ વાંગચુકના બગડતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને શ્રેષ્ઠ તબીબી સુવિધા પૂરી પાડવાના હેતુસર મંગળવારે સાંજે લગભગ 7.30 વાગ્યે એમ્બ્યુલન્સ મારફતે મેદાંતા મેડિસિટીમાં લાવવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં દાખલ થયા બાદ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે તેમની મુલાકાત લીધી હતી. આ બંને મંત્રીઓએ ડૉ. સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ ICU-8 માં સારવાર લઈ રહેલા વાંગચુકના સ્વાસ્થ્ય અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.
હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાની જાણકારી મળતા જ હોસ્પિટલ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
પ્રવેશદ્વાર પર પોલીસ કર્મચારીઓ દ્વારા આવતા-જતા લોકોની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓળખપત્રની ચકાસણી વિના કોઈપણ વ્યક્તિને હોસ્પિટલની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. કોઈપણ કટોકટીની સ્થિતિ કે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ પરિસરમાં 'વજ્ર' વાહન પણ તૈનાત રાખવામાં આવ્યું છે.
