'ન રાજ્ય હતું, ના બનશે...': કેન્દ્ર સરકારે લદ્દાખની મુખ્ય માંગ ફગાવી; નવા પ્રસ્તાવ પર સ્થાનિક સંગઠનોમાં ભારે વિરોધ

લદ્દાખના મુખ્ય સચિવ આશિષ કુંદ્રાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વિશેષ બંધારણીય માળખા હેઠળ ચૂંટાયેલી કેન્દ્રશાસિત પ્રદેશ-સ્તરની સંસ્થા રચવા પર ચર્ચા આગળ વધી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 11 Sep 2026 12:32 PM (IST)Updated: Fri, 11 Sep 2026 12:32 PM (IST)
centre-denies-statehood-assembly-to-ladakh-special-model-proposed-protest
લદ્દાખ રાજ્યની માંગણીનો કેન્દ્ર તરફથી ઇનકાર

Ladakh Statehood Demand Centre Refusal: કેન્દ્ર સરકારે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો અથવા ધારાસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, ગૃહ મંત્રાલયે લદ્દાખના ભવિષ્ય માટે એક "વિશિષ્ટ" અને વિશેષ બંધારણીય મોડેલ પર કામ કરવા તૈયારી દર્શાવી છે. નવી દિલ્હીમાં યોજાયેલી ગૃહ મંત્રાલયની પેટા-સમિતિની બેઠક બાદ આ અંગે માહિતી સામે આવી છે. સરકારે લદ્દાખના નેતાઓને કલમ 371 હેઠળ કાનૂની મુસદ્દો તૈયાર કરતા પહેલા રાજકીય માળખા અંગેના 8-10 મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ સાધવા જણાવ્યું છે.

'વિશિષ્ટ' મોડેલ હેઠળ સીધી ચૂંટણી અને સત્તાની વહેંચણી કરાશે

લદ્દાખના મુખ્ય સચિવ આશિષ કુંદ્રાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વિશેષ બંધારણીય માળખા હેઠળ ચૂંટાયેલી કેન્દ્રશાસિત પ્રદેશ-સ્તરની સંસ્થા રચવા પર ચર્ચા આગળ વધી છે. 'લેહ એપેક્સ બોડી' (LAB) અને 'કરગિલ ડેમોક્રેટિક એલાયન્સ' (KDA) ના પ્રતિનિધિઓ આ સંસ્થા માટે પરોક્ષ રીતે નહીં, પરંતુ સીધી રીતે મતવિસ્તારો દ્વારા ચૂંટણી યોજવા સંમત થયા છે. આ નવી સંસ્થાને ધારાસાંસકીય, કારોબારી અને નાણાકીય સત્તાઓ સોંપાશે. લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC) અને નવી પ્રસ્તાવિત સંસ્થા વચ્ચે અધિકારક્ષેત્રની સ્પષ્ટ વહેંચણી કરાશે.

લદ્દાખી સંગઠનોમાં ભારે રોષ અને નિરાશા

બીજી તરફ, કેન્દ્ર સરકારના આ વલણથી લદ્દાખના સ્થાનિક નેતાઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. દિલ્હી ખાતે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં LAB અને KDA ના નેતાઓએ ગૃહ મંત્રાલયની બેઠક અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ બેઠકની સરખામણી જાણીતા વ્યંગકાર જસપાલ ભટ્ટીના શો સાથે કરી આક્ષેપ કર્યો હતો કે, સરકારનો હેતુ 10 સપ્ટેમ્બરથી શરૂ થનારી લેહ-કરગીલ 'પદયાત્રા' પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો હોઈ શકે છે.

અગ્રણી નેતાઓની ઉપસ્થિતિ

પત્રકાર પરિષદમાં લેહ એપેક્સ બોડીના સોનમ વાંગચુક અને શેરિંગ દોરજે, KDA ના સભ્યો અસગર અલી કરબલાઈ તથા સજ્જાદ કરગીલી અને લદ્દાખના સાંસદ મોહમ્મદ હનીફા જાન ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ જણાવ્યું કે તેમણે સોંપેલી મૂળ માંગણીઓ પર કોઈ નક્કર ચર્ચા થઈ નથી. હવે કેન્દ્ર અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે આગામી બેઠક ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં યોજાશે.