સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલ ખસેડવાની માંગ દિલ્હી હાઈકોર્ટે ફગાવી, નાજુક તબિયતમાં સરકારી હસ્તક્ષેપ યોગ્ય

દિલ્હી હાઈકોર્ટે નીટ-યુજી પેપર લીક મામલે અનશન પર ઉતરેલા સોનમ વાંગચુકને સફદરજંગથી મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાની તેમની પત્નીની અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે નાજુક તબિયતમાં નાગરિકના જીવના રક્ષણ માટે સરકારનો હસ્તક્ષેપ કાયદેસર છે અને આગામી સુનાવણી 24 જુલાઈએ થશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 19 Jul 2026 08:33 PM (IST)Updated: Sun, 19 Jul 2026 08:33 PM (IST)
sonam-wangchuk-delhi-hc-denies-medanta-hospital-transfer-plea

Sonam Wangchuk: નીટ-યુજી (NEET-UG) પેપર લીક મામલે દિલ્હીના જંતર-મંતર પર અનશન પર ઉતરેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના કેસમાં રવિવારે દિલ્હી હાઈકોર્ટમાં વિશેષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે સોનમ વાંગચુકને સરકારી સફદરજંગ હોસ્પિટલમાંથી ખસેડીને ખાનગી મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવાની તેમની પત્ની ગીતાંજલિ જે આંગ્મોની અરજી પર કોઈ પણ વચગાળાની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

હાઈકોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું કે, સોનમ વાંગચુકની કથળતી તબિયતને જોતા સરકાર દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો લેવાયેલો નિર્ણય બિલકુલ મનસ્વી નથી. જ્યારે કોઈ વ્યક્તિની તબિયત નાજુક હોય અને તે પોતે હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય ન લઈ શકે, ત્યારે નાગરિકના જીવના રક્ષણ માટે સરકારનો હસ્તક્ષેપ સંપૂર્ણપણે કાયદેસર અને યોગ્ય ગણાય.

શું શરીર પર સરકારનું નિયંત્રણ છે?- કપિલ સિબ્બલની દલીલો

સુનાવણી દરમિયાન સોનમ વાંગચુક વતી હાજર રહેલા દેશના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને વિવેક તન્ખાએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યો હતો કે- સોનમ વાંગચુક સામે કોઈ ગુનાહિત કેસ નથી. તો શું ભારતના કોઈ નાગરિકને પોતાની પસંદગીની હોસ્પિટલમાં સારવાર કરાવવાનો પણ અધિકાર નથી? શું તેમના શરીર પર સરકારનું નિયંત્રણ છે? તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સફદરજંગ હોસ્પિટલમાં વાંગચુકની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત હોવાથી તેમનો તેમના વકીલો અને અંગત ડોક્ટરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પરિવાર ઈચ્છે તો તેમને AIIMS અથવા મેદાંતામાં શિફ્ટ કરી શકાય છે.

સરકારની રજૂઆત: અમે AIIMSમાં શિફ્ટ કરવા પણ તૈયાર

બીજી તરફ, કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ કોર્ટને જણાવ્યું કે, ભેજવાળા અને ગરમ હવામાનમાં લાંબા સમય સુધી ઉપવાસ કરવાને કારણે સોનમ વાંગચુકની મેડિકલ સ્થિતિ બગડી હતી, જેના કારણે તેમને ઈમરજન્સીમાં લાવવા પડ્યા હતા. હાલમાં AIIMS અને સફદરજંગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે અને વાંગચુકની સંમતિથી જ તેમને શુગર-ફ્રી ઇલેક્ટ્રોલાઇટ્સ આપવામાં આવ્યા છે. એએસજીએ ઉમેર્યું કે જો કોર્ટને યોગ્ય લાગે તો સરકાર તેમને AIIMSમાં શિફ્ટ કરવા પણ તૈયાર છે, પરંતુ વાંગચુકે ડોક્ટરોને સહકાર આપવો પડશે.

હાઈકોર્ટે કેન્દ્ર, રાજ્ય અને પોલીસને પાઠવી નોટિસ

જસ્ટિસ મિની પુષ્કર્ણાની બેન્ચે સોનમ વાંગચુકના શારીરિક સ્વાયત્તતાના અધિકારના ઉલ્લંઘનની દલીલને નકારી કાઢી હતી, કારણ કે તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ પ્રવાહી લેવા સંમત થયા છે. જોકે, કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકની મેડિકલ સ્થિતિ અંગેનો અંતિમ નિર્ણય મેડિકલ પ્રોટોકોલ મુજબ ડોક્ટરોની ટીમ જ લેશે અને તમામ રિપોર્ટ્સ પરિવાર સાથે શેર કરવાના રહેશે. આ હાઈપ્રોફાઈલ કેસની આગામી સુનાવણી હવે 24 જુલાઈના રોજ નિયત કરવામાં આવી છે.