Raja Raghuwanshi Murder: મેઘાલયના શિલોંગમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. હવે પોલીસના જણાવ્યા અનુસાર સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા અને 3 અન્ય લોકો સાથે મળીને તેના પતિ રાજાની હત્યા કરી દીધી હતી. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. બે આરોપીઓએ પોતાની કબૂલાત પાછી ખેંચી લીધી છે.
બે આરોપીઓએ નિવેદન ન આપ્યું
મેઘાલય પોલીસનું કહેવું છે કે હત્યામાં પાંચ લોકો સામેલ હતા. જેમાંથી બે આરોપીઓ આકાશ રાજપૂત અને આનંદ કુર્મીએ ગુરુવારે મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે પહેલા દાવો કર્યો હતો કે બધા આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. પરંતુ હવે આકાશ અને આનંદે પોતાના નિવેદનો પાછા ખેંચી લીધા છે. પોલીસનું કહેવું છે કે તેમની પાસે હત્યા સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે.
પોલીસે પુરતા પુરાવાનો દાવો કર્યો
શિલોંગ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે અમે પાંચ આરોપીઓમાંથી બેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા. તેમણે કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો. પરંતુ અમારી પાસે તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા છે. અમે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ.
