Bihar: જમુઈ બાદ હવે સમસ્તીપુરમાં થયો કાંડ, જાહેરમાં યુવતી સાથે અસભ્ય વર્તન; વીડિયો વાયરલ થતા 4 યુવકની અટકાયત

આરોપીમાંથી બે યુવકોની ઓળખ વિકાસ શર્મા અને રાહુલ કુમાર તરીકે થઈ છે. વિકાસ શર્મા સામે દારૂના કેસ નોંધાયેલા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 24 Sep 2026 11:51 AM (IST)Updated: Thu, 24 Sep 2026 11:51 AM (IST)
samastipur-girl-misbehavior-bad-touch-viral-video-four-youths-detained-bihar
જાહેરમાં યુવતી સાથે અસભ્ય વર્તન

Bihar Crime News: બિહારના જમુઈમાં એક સગીરાની છેડતીનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં હવે સમસ્તીપુરમાં જાહેરમાં યુવતી સાથે અભદ્ર વર્તન થયાનો વીડિયો સામે આવ્યો છે. એક રોડ પર ફોટો પાડવા રોકાયેલી યુવતીને કેટલાક યુવકોએ ઘેરી લીધી હતી. જેમાં યુવકો ગાળાગાળી કરતા, બેડ ટચ કરતા અને તેને રોડ પર ખેંચતા જોવા મળે છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 4 યુવકોને હિરાસતમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.

ફોટો લેવા રોકાયેલી યુવતી સાથે અસભ્ય વર્તન

સમસ્તીપુરથી એક યુવતી સાથે રસ્તા વચ્ચે અભદ્રતાનો વીડિયો સામે આવ્યો છે. કર્પૂરીગ્રામ થાણા ક્ષેત્રના જગતસિંઘપુર ગામમાં આવેલા બાંધ બાયપાસ રોડ પર આ ઘટના બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, યુવતી એક યુવક સાથે બાંધ બાયપાસ રોડ પરથી પસાર થઈ રહી હતી અને બંને રોડ કિનારે રોકાઈને ફોટો લઈ રહ્યા હતા. તે જ સમયે ત્યાં ત્રણ યુવકો પહોંચ્યા અને તેમણે યુવતીને ઘેરીને ગાળાગાળી તથા ગેરવ્યવહાર શરૂ કરી દીધી હતી.

વાયરલ વીડિયોમાં છેડતી અને ખેંચવાના દ્રશ્યો

આ ઘટના દરમિયાન સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલથી વીડિયો બનાવી લીધો હતો, જે બુધવારે મોડી સાંજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વાયરલ વીડિયોમાં યુવકો યુવતીને તેનું નામ અને સરનામું પૂછતા તથા ગાળાગાળી કરતા દેખાઈ રહ્યા છે. આ વિડિયોમાં યુવકો યુવતીને ખોટી રીતે સ્પર્શ કરતા અને રોડ પર ખેંચતા નજરે પડે છે.

પોલીસની કાર્યવાહી અને આરોપીઓની ઓળખ

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ સમસ્તીપુર પોલીસ એક્શનમાં આવી અને આ મામલાને ગંભીરતાથી લઈને વીડિયોમાં દેખાતા યુવકની ઓળખ શરૂ કરી હતી. સમસ્તીપુરના SP અરવિંદ પ્રતાપ સિંહે વાયરલ વીડિયોની સત્યતાની તપાસ કરીને ઘટનામાં સામેલ લોકોની ઓળખ કરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વીડિયોના આધારે જગતસિંઘપુર ગામના ચાર યુવકોને હિરાસતમાં લીધા અને પૂછપરછ કરી રહી છે.

આરોપીઓ પૈકી બે યુવકોની ઓળખ જગતસિંઘપુર ગામના નિવાસી વિકાસ શર્મા અને રાહુલ કુમાર તરીકે થઈ છે. એસપી અરવિંદ પ્રતાપ સિંહના જણાવ્યા મુજબ, આરોપી વિકાસ શર્મા સામે દારૂ સાથે જોડાયેલા અનેક કેસ અગાઉથી નોંધાયેલા છે. હાલ પોલીસ ઘટનામાં સામેલ અન્ય લોકોની ભૂમિકા અને સંડોવણીની પણ તપાસ કરી રહી છે, તેમજ અન્ય આરોપીઓની ઓળખ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.