Jamui Teenage Couple Mob Harass: બિહારનાજમૂઈ જિલ્લામાં રાત્રીના સમયે સ્કૂટર પર જઈ રહેલા એક સગીર યુગલને 6 થી 7 પુરુષોના ટોળાએ રોકીને જાહેર સ્થળે અપમાનિત અને હેરાન કર્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બિહાર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
સગીરાની છેડતી કરી, વીડિયો બનાવી કર્યો વાયરલ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે પુરુષોના ટોળાએ યુગલને ઘેરી લીધું અને તેમની સાથે ગાળાગાળી કરી હતી. આ દરમિયાન યુવકને યુવતીથી અલગ કરી દેવામાં આવ્યો હતો અને મોઢું ઢાંકેલા એક શખ્સે યુવતીને પાછળથી ખેંચીને તેની સાથે અશ્લીલ વર્તન કર્યું હતું. યુવતીએ હાથ જોડીને દયાની ભીખ માંગી, છતાં ટોળાએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. વધુમાં, આ આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
POCSO એક્ટ હેઠળ FIR, 3 આરોપીઓની ધરપકડ
આ વીડિયો વાયરલ થતાં અને વિવાદ સર્જાતાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના નિર્દેશ પર પોલીસે સ્વતઃ સંજ્ઞાન (suo motu cognizance) લીધું હતું. વધુમાં, પીડિતોનો સંપર્ક કરીને તેમના નિવેદન નોંધ્યા હતા. ત્યારબાદ સદર પોલીસ સ્ટેશનમાં POCSO એક્ટ અને બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરી લીધી છે, અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
