Rehan Vadra Aviva Beg: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ કરી લીધી છે. આ દંપતીએ સોશિયલ મીડિયા પર સમારોહના ફોટા શેર કર્યા છે જેમાં પરિવારના પસંદગીના સભ્યો જોવા મળી રહ્યા છે.
રણથંભોરમાં સગાઈ
રાજસ્થાનના રણથંભોરમાં એક ખાનગી સમારોહમાં આ બંનેએ સગાઈ કરી છે. શેર કરાયેલા પહેલા ફોટામાં, રેહાન અને અવિવા સાંજના પ્રકાશમાં પરંપરાગત પોશાકમાં સાથે જોવા મળે છે. ફોટામાં રેહાને ઘેરા રંગની શેરવાની પહેરી હતી, જ્યારે અવિવા સાડીમાં જોવા મળી હતી.

બીજા એક ફોટામાં બંનેની બાળપણની યાદોને તાજી કરવામાં આવી છે. આ તસવીરમાં રેહાન સફેદ કુર્તા-પાયજામામાં છે અને અવિવા પીળા સૂટમાં હસતી જોવા મળે છે. સૂત્રો કહે છે કે 25 વર્ષીય રેહાને ગયા અઠવાડિયે બંને પરિવારોની હાજરીમાં અવિવાને પ્રપોઝ કર્યું હતું.

રોબર્ટ વાડ્રાએ સંબંધો વિશે શું કહ્યું?
સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા રોબર્ટ વાડ્રાએ લખ્યું- મારો પુત્ર જીવનના એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે અને તેને તેનો જીવનસાથી મળી ગઈ છે. હું તેમને ખુશીઓ, અતૂટ સાથ, પ્રેમ અને શક્તિથી ભરપૂર જીવન માટે હૃદયપૂર્વક આશીર્વાદ આપું છું. તેઓ જીવનની આ સફર સાથે મળીને, હાથમાં હાથ નાખીને આગળ વધે અને વિકાસ અને સમૃદ્ધિ મેળવે.
અવિવા બેગ કોણ છે ?
દિલ્હીના એક વેપારી પરિવારમાંથી આવતી અવિવા બેગનું બેકગ્રાઉન્ડ પણ ઘણું જ રસપ્રદ છે. અવિવાના પિતા ઇમરાન બેગ એક સફળ ઉદ્યોગપતિ છે. જ્યારે તેની માતા નંદિતા બેગ એક જાણીતા ઇન્ટિરિયર ડિઝાઇનર છે.
નંદિતા પ્રિયંકા ગાંધીની લાંબા સમયથી મિત્ર છે. તેમણે કોંગ્રેસ મુખ્યાલય, ઇન્દિરા ભવનની ઈન્ટીરિયર ડિઝાઇન પર પણ કામ કર્યું હતું.
અવિવાએ દિલ્હીની મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી મીડિયા કોમ્યુનિકેશન્સ અને જર્નાલિઝમમાં ડિગ્રી મેળવી છે. પ્રોફેશનલ રીતે અવિવાએ ઇન્ટિરિયર ડિઝાઇનર, ફોટોગ્રાફર અને નિર્માતા તરીકે કામ કર્યું છે.
રેહાન વાડ્રા શું કરે છે ?
રેહાન વાડ્રા રાજકીય મૂળ ધરાવે છે. તેણે દહેરાદૂનની પ્રતિષ્ઠિત ધ દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેના દાદા રાજીવ ગાંધી અને મામા રાહુલ ગાંધીએ પણ અભ્યાસ કર્યો હતો. તેણે લંડનની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS)માં તેનો આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેણે વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. રેહાનના ફોટોગ્રાફ્સ મુંબઈની એક આર્ટ ગેલેરી, APRE આર્ટ હાઉસમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
પરિવાર ચાર ઓપન-ટોપ જીપમાં જંગલ પ્રવાસે નીકળ્યો
વાડ્રા પરિવાર કડક સુરક્ષા વચ્ચે રણથંભોરની હોટેલ શેર બાગથી રવાના થયો. બંને પરિવારો છેલ્લા ત્રણ દિવસથી હોટલમાં રોકાયા હોવાનું કહેવાય છે. પ્રિયંકા ગાંધીના કાફલાના બાકીના વાહનો રણથંભોર ગેટ પર રોકાયા, જ્યારે કોંગ્રેસ નેતા તેમના પરિવાર, મિત્રો અને સંબંધીઓ સાથે અલગ ઓપન-ટોપ જીપમાં જંગલ પ્રવાસે નીકળ્યા.
