Mumbai on High Alert: મુંબઈ પોલીસને વોટ્સએપ હેલ્પલાઈન પર એક ધમકીભર્યો મેસેજ મળતા શહેરમાં હોબાળો મચી ગયો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે 14 આતંકવાદીઓ 400 કિલો RDX સાથે મુંબઈમાં ઘૂસી ગયા છે અને 34 વાહનોમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. ગણેશ ઉત્સવ દરમિયાન મળેલી આ ધમકીને કારણે પોલીસને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે.
મુંબઈને 400 કિલો RDXથી ઉડાવીને દેવાની ધમકી
મુંબઈ પોલીસને મળેલા ધમકીભર્યા મેસેજ બાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) સહિત તમામ એજન્સીઓ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસમાં લાગી ગઈ છે. પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ હેલ્પલાઈન પર ગુરુવારે આ મેસેજ પ્રાપ્ત થયો હતો. આ ધમકીભર્યા સંદેશમાં 'લશ્કર-એ-જિહાદી' નામના એક સંગઠનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસ આ સંગઠનની સચ્ચાઈ અને મેસેજ મોકલનારની શોધખોળ કરી રહી છે. ટેકનિકલ ટીમો વોટ્સએપ મેસેજ કોણે અને શા માટે મોકલ્યો તેની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસને મળેલા ધમકીભર્યા મેસેજ બાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) સહિત તમામ એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસમાં લાગી ગઈ છે.
ગણેશ ઉત્સવ વચ્ચે લાખો લોકો ભેગા થશે
શનિવારે ગણેશ ઉત્સવનો અંતિમ દિવસ છે અને લાખો લોકો રસ્તાઓ પર ઉમટી પડશે તેવી અપેક્ષા હોવાથી મુંબઈ પોલીસ હાઈ એલર્ટ થઈ ગઈ છે. શહેરના મહત્વપૂર્ણ સ્થળો જેમ કે મંદિરો, બજારો અને ભીડવાળી જગ્યાઓ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે કામ્બિંગ ઓપરેશન એટલે કે સઘન તલાશી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે જાહેર જનતાને અફવાઓ પર ધ્યાન ન આપવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.