Raghav Chadha: સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં 'જાહેર પરીક્ષાઓ સુધારા બિલ' પર ચાલી રહેલી મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન, સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ બિલને જોરદાર સમર્થન આપ્યું છે. તેમણે આ કાયદાને દેશનું સૌપ્રથમ સમર્પિત પેપર લીક વિરોધી માળખું ગણાવ્યું હતું. ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓએ લાખો મેઘાવી અને મહેનતુ વિદ્યાર્થીઓની યોગ્યતા, મહેનત અને ઉજ્જવળ ભવિષ્યને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હવે દેશ માત્ર તત્કાલ કે એડ-હોક પ્રતિભાવો આપવાને બદલે એક મજબૂત અને દીર્ઘકાલીન કાનૂની માળખા તરફ આગળ વધી રહ્યો છે, જે સંગઠિત પેપર-લીક માફિયાઓ સામે સખત અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરશે.
વડાપ્રધાનની પ્રશંસા કરાઇ
આ પ્રસંગે રાઘવ ચઢ્ઢાએ કેન્દ્ર સરકારના વખાણ કરતા કહ્યું કે સરકારે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળીને ત્વરિત પગલાં લીધા છે. વડાપ્રધાનની પ્રશંસા કરતા તેમણે ટિપ્પણી કરી હતી કે વડાપ્રધાન માત્ર સરકારના વડા તરીકે જ નહીં પરંતુ પરિવારના મોભી કે વડા તરીકે વિદ્યાર્થીઓની વેદનાને સમજે છે અને દેશના હિતમાં નિર્ણાયક નિર્ણયો લે છે. પેપર લીક થવાની અસરો પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આનાથી માત્ર એક પ્રશ્નપત્ર લીક થતું નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના સપના, તેમનો આત્મવિશ્વાસ અને તેમનું સમગ્ર ભવિષ્ય દાવ પર લાગી જાય છે.
NEET ને કોમ્પ્યુટર આધારિત બનાવવા પર ભાર
સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓની પ્રશંસા કરતા તેમણે NEET પરીક્ષાના મુદ્દે થયેલી કાર્યવાહીઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં પુનઃપરીક્ષા યોજવી, CBI તપાસના આદેશ આપવા, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના, આરોપીઓની ધરપકડ, NTA માં વહીવટી સુધારા અને ભવિષ્યમાં NEET ને સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત (Online) બનાવવાની યોજનાનો સમાવેશ થાય છે. તેમણે નંદન નીલેકણી જેવા દિગ્ગજ નિષ્ણાતોની બનેલી ટાસ્ક ફોર્સની રચનાનું પણ સ્વાગત કર્યું હતું.
નવા કાયદાની વિશેષતાઓ જણાવતા તેમણે કહ્યું કે આ કાયદો પેપર લીકને સંગઠિત ગુનાઓ તરીકે વર્ગીકૃત કરશે. આમાં કોચિંગ માફિયાઓ, પ્રિન્ટિંગ પ્રેસ, 'સોલ્વર ગેંગ', લોજિસ્ટિક્સ નેટવર્કથી લઈને ભ્રષ્ટ અધિકારીઓ સુધીના દરેક વ્યક્તિની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ, ગુનાઓને બિનજામીનપાત્ર બનાવવા તેમજ ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને સમયબદ્ધ તપાસ જેવી કડક જોગવાઈઓ રાખવામાં આવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દરેક પ્રામાણિક વિદ્યાર્થી એવી પારદર્શક પરીક્ષા પ્રણાલીનો હકદાર છે જ્યાં તેની સફળતા માત્ર સખત મહેનત અને યોગ્યતાના આધારે જ નક્કી થાય.
વિદ્યાર્થી આંદોલનો અને રાજકારણ પર ચર્ચા
ચઢ્ઢાએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થી આંદોલનોનું ક્યારેય રાજકારણ ન થવું જોઈએ. વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અને જવાબદારી માંગવાનો પૂરો અધિકાર છે, પરંતુ તેમના આંદોલન કે લાગણીઓનો ઉપયોગ પોતાના રાજકીય સ્વાર્થ કે લાભ માટે ન થવો જોઈએ. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે કોઈ પણ પરીક્ષા કે માર્ક્સ ક્યારેય કોઈ વિદ્યાર્થીના જીવન કે તેનું વાસ્તવિક મૂલ્ય વ્યાખ્યાયિત કરી શકતા નથી.
પોતાના ભાષણના અંતે તેમણે પંજાબ અને કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોમાં અગાઉ થયેલી પરીક્ષાઓની અનિયમિતતાઓ અને પેપર લીકની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ લડાઈ કોઈ રાજકીય પક્ષો વચ્ચેની નથી, પરંતુ યોગ્યતા અને ગુનેગાર 'માફિયા' વચ્ચેની સ્પષ્ટ લડાઈ છે. હેડલાઇન્સમાં રહેવા કરતાં કાયમી ઉકેલો શોધવામાં માને છે તેમ જણાવી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવો કાયદો દેશની સમગ્ર પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવશે.
