PM Modi Message: સંસદના બંને ગૃહોમાં જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનો નિવારણ) સુધારા વિધેયક-2026 પસાર થઈ ગયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખાસ વીડિયો સંદેશ જારી કર્યો છે. તેમણે દેશના યુવાનો અને પરીક્ષાર્થીઓને આશ્વાસન આપતા કહ્યું કે, પેપર લીક કરનારા માફિયાઓ સામે સરકાર અત્યંત કડક પગલાં ભરશે અને કૌભાંડીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં.
દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ: પીએમ મોદી
સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયો મેસેજમાં વડાપ્રધાને આ બિલ પાસ થવાને દેશ માટે એક ઐતિહાસિક પળ ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે- વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પારદર્શી પરીક્ષા પદ્ધતિ હોવી અત્યંત જરૂરી છે. દેશમાં દાયકાઓથી ચાલી આવતી પેપર લીકની સમસ્યાને ડામવા માટે સરકારે સંસદમાં આ બિલ રજૂ કર્યું હતું, જે હવે વ્યાપક ચર્ચા બાદ મંજૂર થઈ ગયું છે.
પેપર લીક કરનારાઓ સામે ઝીરો ટોલરન્સ
વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું કે, સરકાર હવે દેશના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમતી આવી સ્થિતિને વધુ સમય નહીં ચલાવી લે. દેશની શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત તથા ભરોસાપાત્ર બનાવવા માટે આગામી સમયમાં પણ વધુ સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
વિપક્ષના વોકઆઉટ વચ્ચે બિલ પસાર
ઉલ્લેખનીય છે કે, લોકસભા બાદ ગુરુવારે રાજ્યસભામાંથી પણ આ વિધેયકને મંજૂરી આપી દેવામાં આવી છે. ગૃહમાં વિપક્ષના વોકઆઉટ વચ્ચે કાયદાના નિયમો રજૂ કરતી વખતે કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. જિતેન્દ્ર સિંહે વિપક્ષી સાંસદોની નારેબાજી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે- અમારું તીર યોગ્ય નિશાના પર વાગ્યું છે. બીજી તરફ, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ કાયદાને અપૂરતો ગણાવી સરકારની દાનત સામે સવાલો પણ ઉઠાવ્યા હતા. હવે આ વિધેયક રાષ્ટ્રપતિની સહી બાદ દેશભરમાં કાયદા તરીકે અમલી બનશે.
