Rajya Sabha MP Raghav Chadha: ચંદીગઢ:રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના મોહાલી ખાતે નોંધાયેલા વોટર આઈડીને ડ્રાફ્ટ યાદીમાં કાયમી ધોરણે સ્થળાંતરિત દર્શાવવામાં આવતા પંજાબના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.આ ફેરફારથી રાઘવ ચઢ્ઢાના રાજ્યસભા સભ્યપદની કાયદેસરતા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થવાની આશંકા સેવાઈ રહી છે.
ભાજપ અને આપ બંનેના એજન્ટોની હતી સંમતિ:
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ રાઘવ ચઢ્ઢાના મોહાલીમાં રજીસ્ટર્ડ વોટને 'પરમેનન્ટલી શિફ્ટેડ' તરીકે વર્ગીકૃત કરવાની પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP), બંને પક્ષોના બૂથ લેવલ એજન્ટો (BLA) ની સંમતિ સામેલ છે. નિયમો અનુસાર, જ્યારે સંબંધિત વિસ્તારના બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા મતદાતાના ઘરે મુલાકાત લેવા છતાં મતદાતા દ્વારા ફોર્મ ભરીને કે સહી કરીને પરત આપવામાં ન આવે, ત્યારે રાજકીય પક્ષોના બૂથ એજન્ટોની પરસ્પર સંમતિ મેળવ્યા બાદ જ વોટને આ યાદીમાં મૂકવામાં આવે છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા સાથે જોડાયેલા સત્તાવાર દસ્તાવેજો પર બંને પક્ષોના બૂથ એજન્ટોની સહીઓ મોજૂદ છે.
રાઘવ ચઢ્ઢાનો આક્ષેપ અને પંજાબ સરકારનો ખુલાસો:
બીજી તરફ, રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ ઘટનાક્રમને રાજકીય કિન્નાખોરી અને પ્રતિશોધ ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે તેઓ પંજાબના વર્તમાન સાંસદ છે અને તેમનું વોટર આઈડી મોહાલીમાં નોંધાયેલું છે, છતાં ડ્રાફ્ટ યાદીમાં તેમનું નામ 'શિફ્ટ' તરીકે દર્શાવાયું છે. જો કે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ માત્ર ડ્રાફ્ટ યાદી છે અને તેઓ ઉપલબ્ધ કાનૂની પ્રક્રિયા હેઠળ વાંધો (Objection) દાખલ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના મંત્રીઓ હરપાલ સિંહ ચીમા અને અમન અરોરાએ રાઘવ ચઢ્ઢાના આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. આપ નેતાઓએ સ્પષ્ટતા કરી છે કે મતદાર યાદી સુધારણા (SIR) એ સંપૂર્ણપણે ચૂંટણી પંચ હસ્તકની સ્વાયત્ત પ્રક્રિયા છે અને તેમાં પંજાબ સરકારની કોઈ જ ભૂમિકા નથી. આપ નેતાઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે રાઘવ ચઢ્ઢા દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારમાં બેક-ડેટ પ્રક્રિયા દ્વારા પોતાનું મતદાર રજીસ્ટ્રેશન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.
રાજ્યસભા સભ્યપદ પર શા માટે ઊભું થયું સંકટ?
આ મામલો માત્ર વોટર આઈડી પૂરતો સીમિત નથી, પરંતુ તેનાથી રાઘવ ચઢ્ઢાના રાજ્યસભા સભ્યપદ પર પણ જોખમ ઊભું થઈ શકે છે. રાઘવ ચઢ્ઢા એપ્રિલ 2026 માં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. સંસદના નિયમો મુજબ, રાજ્યસભાના સભ્ય તરીકે ચાલુ રહેવા માટે વ્યક્તિ દેશના કોઈપણ વિસ્તારમાં મતદાતા તરીકે નોંધાયેલ હોવો અનિવાર્ય છે. રાજ્યસભા ચૂંટણી સમયે રાઘવ ચઢ્ઢા દિલ્હીના રાજેન્દ્ર નગરમાં મતદાતા તરીકે નોંધાયેલા હતા, પરંતુ વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી પહેલા તેમણે પોતાનો વોટ મોહાલી (પંજાબ) માં સ્થાનાંતરિત કરાવ્યો હતો. હવે પંજાબની ડ્રાફ્ટ યાદીમાં તેમનું નામ ન હોવાથી અને દિલ્હીમાં પણ સત્તાવાર રજીસ્ટ્રેશન ન હોવાના કારણે તેઓ દેશમાં ક્યાંય પણ રજીસ્ટર્ડ મતદાતા ન રહે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે, જેનાથી તેમનું રાજ્યસભા સભ્યપદ કાનૂની રીતે પડકારાઈ શકે છે.
અંતિમ નિર્ણય ઓક્ટોબરમાં લેવાશે:
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડ્રાફ્ટ યાદીમાં શિફ્ટ લખવું એ વોટ રદ થવાનો આખરી નિર્ણય નથી. ચૂંટણી પંચના નિયમો મુજબ સાંસદો અને ધારાસભ્યો માટે ખાસ જોગવાઈઓ છે, જે અંતર્ગત માત્ર નવું ફોર્મ સબમિટ ન થવાના કારણે ડ્રાફ્ટ યાદીમાંથી નામ સીધું કાપી શકાતું નથી. અંતિમ મતદાર યાદી ઓક્ટોબર 2026 ના બીજા સપ્તાહમાં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવશે. ત્યાં સુધીમાં રાઘવ ચઢ્ઢા કાનૂની પુરાવાઓ રજૂ કરીને અંતિમ મતદાર યાદીમાં પોતાનું નામ પુનઃ સ્થાપિત કરાવી શકે છે.
