કોટામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ગંભીર અકસ્માત, 15 ફૂટ ઊંડા નાળામાં બસ ખાબકી; 8 મુસાફરોના મોત

દિલ્હીથી મુંબઈ જતી પેસેન્જર બસ કોટા જિલ્લામાં કરાડિયા નજીક 15 ફૂટ ઊંડા નાળામાં પડી ગઈ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 17 Oct 2026 10:07 AM (IST)Updated: Sat, 17 Oct 2026 10:07 AM (IST)
rajasthan-delhi-mumbai-expressway-bus-accident-near-kota-8-dead-6-injured

Rajasthan Bus Accident: રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કોટા નજીક એક પેસેન્જર બસ પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં આઠ મુસાફરોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત અન્ય છ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દિલ્હીથી મુંબઈ જતી બસ નાળામાં ખાબકી

રાજસ્થાનમાં કોટા નજીક શનિવારે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આ અકસ્માત થયો હતો. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એક પેસેન્જર બસ કોટા જિલ્લામાં કરાડિયા નજીક 15 ફૂટ ઊંડા નાળામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ મુસાફરોના મોત થયા છે, અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

 

ગંભીર ઈજાગ્રસ્ત મુસાફરોને ICU માં દાખલ

ANI અહેવાલ મુજબ, જિલ્લા કલેક્ટર પીયૂષ સામરિયાએ જણાવ્યું હતું કે, 'અત્યાર સુધીમાં 8 લોકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા છે. તમામ ગંભીર દર્દીઓને ICU માં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે, અને તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.'

કોટા ગ્રામ્ય ASP રામ કલ્યાણ મીણાએ જણાવ્યું કે, "મધ્યપ્રદેશના ભોપાલના કેટલાક લોકો મિની બસમાં ખાટુ શ્યામજીની યાત્રાએ જઈ રહ્યા હતા. ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતા બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય 16 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં લગભગ 25 લોકો સવાર હતા."

અચાનક ખાડામાં ખાબકી અનિયંત્રિત બસ

રાજસ્થાનના કોટા જિલ્લામાં કરાડિયા નજીકથી આ બસ દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, બસ ચલાવતી વખતે ડ્રાઇવરે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેના કારણે બસ નજીકના ખાડામાં ખાબકી હતી.